રાજકોટઃ શહેરના બે મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકી ગુજરાતની પહેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ) કાર્યરત થતાં હજુ એક-દોઢ વર્ષની વાર લાગે એમ છે, ત્યારે બીજા પ્રોજેક્ટ એવા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ રાષ્ટ્રની આઝાદીના 75મા વર્ષે જ કરી શકાય એ માટે એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું આટોપી લેવાના આદેશ છૂટયા છે. 2022ના ઓગસ્ટ માસમાં મોટે ભાગે વડાપ્રધાનના હસ્તે જ ઉદઘાટન કરાવવા તજવીજ શરૂ થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા આ એરપોર્ટના રન-વેનું કામ હજુ 65 ટકા જેટલું પાર પડયું છે, બોક્સ કલવર્ટ મુજબનું કામ પૂર્ણ હજુ બાકી છે અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું કામ તો એક- દોઢ મહિના પહેલાં જ શરૂ થયું હોવાથી માત્ર બે- ત્રણ ટકા કામ જ થયું છે. એવામાં ડેડલાઈન વહેલી કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે..
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 13 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા એરપોર્ટનું કામ પૂર્ણ કરવાની સુચના આપી દીધી છે. અત્યાર સુધીની ધારણા એવી હતી કે રન-વેનું કામ પૂર્ણ થયે ઓગસ્ટ- 2022માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેક-ઓફ કરાવવું, ડિસેમ્બર 2022માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરી દેવો અને માર્ચ 2023માં એરપોર્ટ કાર્યરત કરી દેવું, પરંતુ હવે કેન્દ્ર સરકારે આઝાદીના 75મા વર્ષે જ આ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાનું નક્કી કરીને ડિસેમ્બર 2022ને બદલે ઓગસ્ટ 2022 સુધીમાં કામ નિપટાવી લેવા જણાવ્યું છે. સંબંધિત તંત્ર હવે આઠ-નવ મહિના જ હાથ પર હોવાનું માનીને આગળ વધી રહ્યું હોવાના નિર્દેશ મળી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના હીરાસર ખાતે સાવ વેરાન જમીન પર પાયેથી જ સંપૂર્ણ નવું (ગ્રીનફિલ્ડ) એરપોર્ટ બનાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે શરૂઆતથી જ નાના- મોટા અનેક પડકારો આવતા રહ્યા છે. હજુ હીરાસર ગામનું પુનઃ સ્થાપન પૂરેપૂરું પાર પડયું નથી, ડોસલીઘૂના આસપાસ કેટલીક જમીનની લેવડ-દેવડ અટવાયેલી છે, જે પછી એરપોર્ટને હાઈવે સાથે જોડતો ફ્લાય-ઓવર સહિતનો એપ્રોચ રોડ પણ બનાવાનો છે. આ તમામ કામમાં હવે ઝડપ લાવવી પડશે.
સૂત્રોના કહેવા મુજબ ટર્મિનલ બિલ્ડિંગ બનવાને વાર લાગે એમ છે, એટલે હાલ જર્મન ડોમ જેવું કામચલાઉ ટર્મિનલ બનાવી નખાશે. હાઈવે ઓથોરિટી ટૂંક સમયમાં જ સર્વિસ રોડ બનાવવાનું શરૂ કરી દેશે, જ્યારે એપ્રોચ રોડ બનાવી નાખવા એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ છે. અગાઉ ઓગસ્ટ 2022માં રન- વેની ટ્રાયલ લેવાવાની હતી, પરંતુ હવે નક્કી થયા મુજબ એ પહેલાં જ પ્લેન લોન્ચ કરાવડાવી દેવાશે, કેમ કે હવે બોક્સ કલવર્ટને લગતું 400 મીટર સહિત રન-વેનું કુલ 500 મીટર જેટલું જ કામ બાકી છે.