અમદાવાદઃ રાજ્યમાં નોકરી માટેની જાહેર પરીક્ષા હોય કે, બીજી અન્ય પરીક્ષા હોય પેપર લીક થવું એ સામાન્ય બની ગયુ છે. ત્યારે ગુજરાતમાં વધુ એક પેપરકાંડ સર્જાયુ છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થતા હોબાળો મચી ગયો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. યુટ્યુબ પર પેપર લીક કરાયુ છે. સવાલ એ છે કે, જો ગુજરાતમાં આ જ પ્રકારે શિક્ષણ વ્યવસ્થા ચાલવાની હોય તો પછી પરીક્ષા સિસ્ટમની જરૂર જ શું છે. શા માટે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવવામાં આવે છે. આવા કૌભાંડીઓને આકરી સજા કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે. જોકે બોર્ડ દ્વારા પેપર લીકકાંડમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પેપર લેવાય તેના બે દિવસ પહેલા પેપર સોશિયલ મીડિયામાં લીક કરાયુ હતું. યુટ્યબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરાયો હતો. ગુજરાતમાં વારંવાર પેપર લીકની ઘટના બની રહી છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. હવે બોર્ડની પરીક્ષાને પણ તેમાં બાકાત રાખવામાં આવી નથી. ગુજરાતની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. અમદાવાદના એક પ્રકાશને પેપર તૈયાર કરીને સ્કૂલમાં મોકલ્યા હતા. બાદ પેપર લીક કરાયુ હતું અને સોશિયલ મીડિયા પર અપલોડ કરાયુ હતું.
શાળા વિકાસ સંકૂલ દ્વારા લેવાતી આ પરીક્ષામાં કોણે ખેલ કર્યો? કેમ બોર્ડના પરીક્ષાર્થીઓ સાથે આવી મજાક થઇ રહી છે. પરીક્ષાઓને ગંભીરતાથી કેમ તંત્ર નથી લેતું? કોણે ફોડ્યાં ધોરણ 10 અને 12ના પ્રિલિમિનરી પરીક્ષાના પેપર? કેમ આવી ચોરી સામે જિલ્લા શિક્ષણાધિકારીઓ પણ અંધારામાં રહે છે? એવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.