Site icon Revoi.in

અમદાવાદમાં બાંધકામ સાઈટ્સ પર નેટ લાગવા અને ટ્રકોના ટાયરો ધોવાનો મ્યુનિ કમિશનરનો આદેશ

Social Share

અમદાવાદઃ શહેરમાં ઠેર ઠેર બિલ્ડિંગોની નવી સાઈટ્સ બની રહી છે. શહેરમાં વધતા જતા પ્રદુષણમાં બાંધકામોને લીધે ઉડતા રજકણોનો મોટા ફાળો છે. ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે. હવાના પ્રદૂષણને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનરે  કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં બિલ્ડરો દ્વારા ચાલતી બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ પણ લાગાડવામાં આવતી નથી. ઉપરાંત માલ-સામાન લાવવા લઈ જવા માટે જે ભારે વાહનો અને ટ્રકોનો ઉપયોગ કરે છે, તેના પૈડાને નિયમિત સાફ કરાતા નધી.. બાંધકામ સાઈટ ઉપર ખોદાણની જે માટી નીકળે છે તેનો નિકાલ કરતી ટ્રકો અને ભારે વાહનોના સાઈટ પર પાર્કિંગ માટે આરસીસી પેવિંગ કરાતું નથી. ડમ્પરોમાં લઈ જવાતી માટી અને કપચીને ઢોંકવામાં આવતી નથી તેથી ચાલતી ટ્રકમાં માટી ઉડતા પ્રદુષણ થવા ઉપરાંત રોડ પર દોડતા વાહનચાલકોને પણ નુકશાન થતું હોય છે.આથી આ તમામ બાબતોની તકેદારી રાખવા મ્યુનિ.કમિશનરે આદેશ કર્યો છે.

અમદાવાદ શહેરમાં સાઇટ પર ઉડતી ધૂળો અને રોડ પર બાંધકામો વાહનો દ્વારા રોડ પર માટીના કારણે થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગને કમિશનરે સૂચના આપી છે. જે પણ બાંધકામ સાઈટ ઉપર ખોદાણ થતું હોય અને બાંધકામ ચાલુ હોય ત્યાંથી માલ-સામાન લાવવા, લઈ જવા અથવા ખોદાણની માટી નીકળતી હોય છે, તે લઈ જવા ટ્રકોનો ઉપયોગ થતો હોય છે. ટાયરોમાં માટી ભરાઈને રોડ ઉપર આવે છે, જેના કારણે રોડને અને ફૂટપાથને નુકસાન થતું હોય છે. રોડ પર માટીના કારણે ધૂળ ઉડે છે અને લોકોના આરોગ્યને નુકસાન થાય છે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરી અને બાંધકામ સાઈટ ઉપર ટ્રકોના ટાયરોને નિયમિત ધોવાના રહેશે. ઉપરાંત સાઈટ ઉપર આરસીસી પાર્કિંગ બાંધકામ અને આંતરિક રોડનું 50 ટકા રનિંગ મીટર સુધી આરસીસી પેવિંગ કરવા માટેનો સૂચના આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના મ્યુનિના એસ્ટેટ વિભાગના ઝોનલ સ્ટાફ દ્વારા મોર્નિંગ રાઉન્ડ દરમિયાન અને નિયમિતપણે જે પણ વોર્ડ અને ઝોનમાં બાંધકામ ચાલતી હોય તેવી સાઈટોની નિયમિત મુલાકાત લેવાની રહેશે. જે સરક્યુલર કરવામાં આવેલા છે. તેનું નિયમિતપણે પાલન થાય તેની સૂચના અને નોટિસ આપવાની રહેશે. જો કોઈપણ શરતોનો ભંગ થતો હોય તો આવા બાંધકામ સાઈટના બિલ્ડરને નોટિસ આપી અને તેની રજાચિઠ્ઠી રદ કરવા સુધીના કડક આદેશ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપી દેવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા પરિપત્ર કરી એસ્ટેટ વિભાગને તાકીદ કરવામાં આવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ચાલુ બાંધકામની સાઇટ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે સાઇટ પર પૂરતા પગલા લેવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત માલિક/ડેવલપર/એન્જિનિયરની છે. જેમાં બાંધકામ ડીમોલીશનની પ્રવૃતિ થતી હોય તે જગ્યા પર હવા પ્રદૂષણ થાય નહીં તથા તેમજ રોડ પર માટી ન ફેલાય તેમજ આજુબાજુની મિલ્કતો વ્યક્તિઓને નુકશાન થાય નહીં તે માટે તકેદારી રાખવા જણાવાયું છે.