Site icon Revoi.in

અમદાવાદમાં BU અને ફાયર NOC ન હોય તેવી હોસ્પિટલો સામે સપ્તાહ બાદ પગલાં લેવા આદેશ

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલોની બીયુ પરમિશન અને ફાયર એનઓસી માટે કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને 44 હોસ્પિટલે સીલ ખોલવા માટે કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી છે. જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ત્રિવેદીની બેન્ચે અમદાવાદ મ્યુનિ.ને આદેશ આપ્યો છે કે, બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરની હોસ્પિટલો સામે બે સપ્તાહ બાદ કડક પગલાં લો. આ બે સપ્તાહ દરમિયાન 44 હોસ્પિટલમાં દાખલ દર્દીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા કોર્ટે સમય આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ચુકાદામાં ટાંક્યું હતું કે, હાઇકોર્ટ સમક્ષ આવેલી એકપણ હોસ્પિટલ પાસે બીયુ કે ફાયર એનઓસી નથી તેમ છતાં સીલ ખોલવા કરેલી અરજી સ્વીકારી શકાય નહીં. હોસ્પિટલોએ દલીલ કરી હતી કે, તેમની હોસ્પિટલ જે બિલ્ડિંગમાં છે તેના બિલ્ડરે ફાયર એનઓસી ન મેળવી હોવાથી અમારે ભોગવવું પડે છે. આ સંદર્ભમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે કોઈપણ પ્રકારની બહાનાબાજી અજ્ઞાન છતું કરે છે. હોસ્પિટલ ખરીદતાં પહેલાં બીયુ અને ફાયર એનઓસી છે કે નહીં તે જોવાની જવાબદારી હોસ્પિટલની છે. મ્યુનિ.એ રજૂઆત કરી હતી કે, કેટલીક હોસ્પિટલ રહેણાંક સોસાયટીમાં બની ગઈ છે. હેતુ ફેર થવાથી એનઓસી આપી શકાય નહીં.

મ્યુનિ.કોર્પોરેશને એવી દલીલ કરી હતી કે, છેલ્લાં 3 માસથી અમે 3-3 વખત નોટિસ આપી છે, અખબારોમાં પણ તે અંગેની જાહેરાતો કરી છે છતાં હોસ્પિટલોએ એનઓસી કઢાવવા તસ્દી લીધી નથી. હોસ્પિટલોને ક્યાં તકલીફ પડે છે તે અંગે સત્તાધીશોએ તેમને સાંભળવા સમય આપ્યો હતો. તેમ છતાં હોસ્પિટલોએ નોટિસને ગંભીરતાથી લીધી નથી. હાઇકોર્ટે ટકોર કરી કે, કાયમ દર્દીઓના નામે સહાનુભૂતિ મેળવવાની વૃત્તિ છોડી દો. તમને 10 વર્ષથી કોર્ટે અને કોર્પોરેશને અનેક વખત બીયુ અને એનઓસી મેળવવાની તક આપી છે. તેમ છતાં તમે તસ્દી લીધી નથી. જાન્યુઆરીમાં ફરીથી કોર્પોરેશને નોટિસ આપીને એનઓસી માટે છેલ્લી તક આપી હતી.  હોસ્પિટલો તરફથી એડવોકેટે એવી દલીલ કરી હતી કે, બીયુ અને એનઓસી વિનાની હજારો હોસ્પિટલો છે. તો માત્ર અમારી હોસ્પિટલોને જ કેમ સીલ કરી છે? કોર્પોરેશન ભેદભાવ અને અન્યાય કરી રહ્યું છે. કોર્પોરેશને નોટિસ પછી સમય આપ્યો નથી.