અમદાવાદઃ શહેરમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા મ્યુનિ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે. મ્યુનિ.કોર્પોરેશનના નવ નિયુક્ત કમિશનર લોચન સહેરાની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. બેઠકમાં હાલમાં કોવીડ -19 નાં વધી રહેલા કેસ અને કોવિડ -19 વેક્સિનેશનની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. કોવિડ ગાઇડ લાઇન કડકાઇથી અમલ થાય તે માટે અધિકારીઓ આદેશ અપાયા હતા. વિભાગ મુજબ તબક્કાવાર કામગીરી સોંપી દેવામાં આવી છે .
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. મ્યુનિ. કમિશનરે તાકીદની બેઠક બોલાવીને જરૂરી સુચના આપી હતી. જેમાં જે વિસ્તારમાં કોવિડના કેસો વધુ નોંધાય તે વિસ્તારને માઇક્રોકન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવા અને ગાઈડલાઇન અનુસાર કામગીરી કરવાની રહેશે . કોવિડ -19 ટેસ્ટિંગ કીઓસ્કની સંખ્યા વધારવા અને મહત્તમ સંખ્યામાં ટેસ્ટ થાય તે પ્રકારની કાર્યવાહી કરવી તેમજ BRTS સ્ટેન્ડ , AMTS સ્ટેન્ડ, કાંકરીયા લેક ફ્રન્ટ , કાંકરિયા પ્રાણી સંગ્રહાલય , રેલ્વે સ્ટેશન , બસ સ્ટેશન ખાતે મહત્તમ સ્ક્રીનીંગ તથા ટેસ્ટીંગ થાય તે પ્રકારની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટનસીંગ તથા માસ્ક બાબતે જન જાગૃતિ આવે તે અંગે જરૂરી કામગીરી કરવા અને નિયમોનું ઉલ્લંધન કરતા નાગરિકો પાસેથી મહત્તમ વહીવટી ચાર્જિસ વસુલ કરવો, તેમજ ટેક્ષ વિભાગ દ્વારા કોમર્શીયલ એકમો ખાતે વધુમાં વધુ ચેકિંગની કામગીરી હાથ ધરી કોવીડ 19 પ્રોટોકલનું પાલન ન કરતા એકમો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે .જે વિસ્તારમાં કોવિડ -19 ના કેસો જણાય તેવા વિસ્તારમાં ધનવંત્રી રથ મારફતે આરોગ્યલક્ષી પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડવાની રહેશે .
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના કેસ વધતા માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમાં પણ વધારો થયો છે .જેમા આંબલી અને ઇસનપુર વિસ્તારનો વધારો થયો છે . ઇસનપુરના જંયત પાર્ક વિસ્તારમાં આવેલા સદભાવ ફલેટમાં ઘર નંબર 1 થી 9 અને આંબલી રાજપથ રંગોલી રોડ વિસ્તારમાં આવેલા અભિશ્રી બંગલોઝના પાર્ટ -2ના બંગલો નંબર 9 થી 11 અને 20 થી 22 માઇક્રો કન્ટેઇમન્ટ જાહેર કરાયા છે .