ધાનેરા નગરપાલિકાના સભ્યોને ગેરરીતિના મુદ્દે એડમિનિસ્ટ્રેશન મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા આદેશ
ધાનેરાઃ બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનો વિવાદ વધુ વકર્યો છે. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરવાના મુદ્દે પાલિકાના નગરસેવકોને ગાંધીનગરનું તેડું આવ્યું છે.ભાજપ-કૉંગ્રેસના તમામ 25 નગરસેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તા.7મી ઓક્ટોબરે હાજર રહેવા આદેશ કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધાનેરી નગર પાલિકામાં છેલ્લા 3 વર્ષથી વિવાદ ચાલે છે. આ અગાઉ પણ કૉંગ્રેસના 15 નગરસેવકોને સસ્પેન્ડ કરાતા મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં સત્તાને લઈને સતત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ રહ્યો છે. જેમાં જૂન માસમાં ફરી ભાજપ સત્તા સ્થાને આવ્યું હતું. જેમાં અગાઉ કોંગ્રેસના પ્રમુખ જગલબેનનું અવસાન થતાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ હતી. તેમજ ચૂંટણી પહેલા કોંગ્રેસ ના 15 સભ્યો સસ્પેન્ડ રહેતા સત્તા ભાજપ પાસે આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ફક્ત ભાજપના સભ્યો જ હાજર રહ્યા હતા. કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતા આવવા દીધા ન હતા. ભાજપના જ બે મહિલા સદસ્ય જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. તેમજ બંને ઉમેદવારો ને 6 – 6 મત મળતા ટાઇ પડી હતી અને ટાઇ બાદ ચિઠ્ઠી ઉછાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા તે પ્રમુખ બન્યા હતા.દરમિયાન વિકાસના કાર્યોમાં ગેરરીતિ આચરવાને મુદ્દે ફરિયાદો ઊઠી હતી. તમામ સભ્યોને આગામી તા.7મી ઓક્ટોબરે એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ હાજર રહેવા આદેશ કરાયો છે.