અમદાવાદઃ તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં 31 અંગદાનની ઘટનામાં કુલ 100 અંગોનું દાન થયું છે.
અંગદાનની બે ઘટનાઓની વિગતો અનુસાર મૂળ બિહારના નવાડાના જિલ્લાના બિસનપુર ગામના વતની 45 વર્ષીય અરવિંદ રામચંદ્ર મહંતો મહારાષ્ટ્રના દાંડીપાડા, પાલઘર પાસે આવેલી પતરા બનાવવાની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. ગત તા.13મીએ તેઓ બિમાર હતા, એ દરમિયાન બોઈસર રેલવે સ્ટેશન પાસે ચક્કર આવતા પડી ગયા હતા. જેથી સ્થાનિક હોસ્પિટલની સારવાર બાદ વધુ સારવાર માટે તા.૧૯મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તા.૨૪મીએ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાય હતા.
બંને પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો આ બંને પરિવારોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી. આજે બ્રેઈનડેડ વ્યક્તિઓના પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન લેવામાં આવ્યું હતું. સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આમ, છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું હતું.