અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ દાનને લઈને લોકોમાં જાગૃત્તા વધી છે. જેથી અનેક લોકો મૃત્યુ બાદ અંગદાન કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસમાં 4 અંગદાન થયા છે. જેના થકી 10થી 15 જેટલા વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 26મી જાન્યુઆરીના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTOની ટીમ એમ્બ્યુલન્સ લઇને નરોડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પહોંચી હતી. નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને સંપર્ક કરાતા ખૂબ જ ટૂંકા ગાળામાં ખાનગી હોસ્પિટલમાં પહોંચીને બ્રેઇન ડેડ ઘર્મેશભાઇ પટેલને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્યા. ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ઘર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ ઘર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાત દર્દીની જીવનશૈલી સુધારવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો. ધર્મેશભાઇની બે કિડની, એક લીવર અને બંને આંખોનું દાન કરાયું હતું. આ ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓનું કાર્યદક્ષતા સુધરી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઇનડેડ દર્દીનું અંગદાન થયુ તેવી આ પહેલી ઘટના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા છે જેના થકી 10 થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો છે.