અંગદાન એ જ મહાદાન : સુરતમાં બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન
અમદાવાદઃ ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 24 કલાકમાં બીજુ સફળ અંગદાન થયું છે. નવી સિવિલની તબીબી અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એક થી બે અંગદાન થઈ રહ્યા છે. આજે શહેરના પાંડેસરા ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઇ શ્રીધર લિમજેની બે કિડની, એક લિવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતાને પરિણામે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 35મું અંગદાન થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારના અપેક્ષાનગરમાં રહેતા 47 વર્ષીય દિપકભાઈ લિમજે પાંડેસરામાં સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. બપોરે જમ્યા પછી બહાર ખાડી પાસે ગયા હતા, ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા. ત્યારબાદ તત્કાલ બેભાન અવસ્થામાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં નિદાનમાં Intraparenchymal hemorrhage (IPH) અને intraventricular hemorrhage (IVH) થયું હોવાનું જણાયુ હતું. સિવિલમાં સઘન સારવાર બાદ ન્યુરોફિઝિશિયન ડો.જય પટેલ તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, આર. એમ. ઓ. ડો. કેતન નાયક, ડો. નિલેશ કાપડીયા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સ્વ.દિપકભાઈના પરિવારમાં પત્ની કલ્પનાબેન, પુત્ર હર્ષ તથા મનિષ છે. જેઓને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારજનોએ અંગદાનની સમંતિ આપી હતી. બ્રેઈનડેડ દિપકભાઈની બન્ને કિડની અને લીવર અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા.