અમદાવાદઃ વડોદરાની ભાઈકાકા હોસ્પિટલમાં દાખલ એક યુવતીનું બ્રેઇન હેમરેજ થતાં મૃત્યુ થયું હતું અને તે બાદ તેના પરિવારે તેના વિવિધ અંગો દાનમાં આપવામાં સ્તુત્ય નિર્ણય કર્યો હતો. આ અંગોને શહેરની ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવી અંગોને હરણી એરપોર્ટ તથા દુમાડ ચોકડીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચતા કરાવ્યા હતા.
પોલીસને ઇમરજન્સી મેસેજ મળ્યો હતો કે, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં દાખલ થયેલી દર્દી ધુનાલી પટેલનું બ્રેઈન હેમરેજના કારણે મૃત્યુ થયું છે. મૃત્યુ પામનારના પરિવારજનોએ ધુનાલીના ઓર્ગન, બન્ને કીડની, હાર્ટ, લીવર, આંખ અને બન્ને લંગ ડોનેટ કરતા તાત્કાલીક અમદાવાદ ખાતે સીવીલ હોસ્પિટલમાં તેમજ અન્ય હોસ્પિટલ ખાતે બાય પ્લેનથી મોકલવાના હોવાથી ભાઇલાલ અમીન હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ કરી હતી. તેથી ટ્રાફિક પોલીસના એ.એસ.આઇ. તાત્કાલીક પાયલોટીંગ માટે અમીન હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાથી મુત્યુ પામનારના બન્ને કીડની, હાર્ટ, લીવર, આંખ અને બન્ને લંગ સાથે ડૉક્ટર ટીમ સહિતની એમ્બ્યુલન્સને વડોદરા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગ્રીન કોરીડોર કરી ભાઇલાલ અમીન હોસ્પિટલથી દુમાડ ચોક્ડી તથા ભાઇલાલ અમીન હોસ્પિટલથી હરણી એરપોર્ટ ખાતે બે વખત ગ્રીન કોરીડોર તાત્કાલીક ખુબજ ઓછા સમયમાં ત્રણેય જગ્યાએ વિના અડચણે પહોચાડવામા આવ્યા હતા.