સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિને મળશે નવુ જીવન
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 158માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા ૪૩ વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડેન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ 17.6.24 ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 26 જૂનના રોજ ડૉક્ટરોએ હરિસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. હરિસિંહ અપરણીત હોવાથી તેમના પરીવારમાંથી એમના માતા તેમજ ભાઈ મહેન્દ્રસિંહ અને અન્ય હાજર પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ના ડૉક્ટર્સની ટીમે હરિસિંહ ના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે પરોપકાર ભાવ સાથે હરિસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગદાન થકી બે કીડની તેમજ એક લીવરનું દાન મળ્યુ હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , આ અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 158 અંગદાતાઓ થકી કુલ 511 અંગો તેમજ ચાર સ્કીન નું દાન મળેલ છે. જેના થકી 495 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.