સુરતમાં એનઆરઆઈ બ્રેઈનડેડ દર્દીનું અંગદાન, 3 વ્યક્તિને મળશે નવુજીવન
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં એનઆરઆઈ સુરેશ મોતીલાલ પટેલને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને ત્રણેક વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. અમેરિકામાં વર્ષોથી મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા સુરેશભાઈ પટેલ થોડા સમય પહેલા જ પરિવાર સાથે મૂળવતન બારડોલીના બાબેન ગામ આવ્યાં હતા. એનઆરઆઈ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરનાર સુરેશભાઈ પટેલે અગાઉ પોતાના અંગોના દાનની પરિવારજનો સમક્ષ ઈચ્છા જાહેર કરી હતી.
ડોનેટ લાઈફ સંસ્થાના જણાવ્યા અનુસાર મૂળ બારડોલી તાલુકાના બાબેન ગામના સુરેશભાઈ મોતીરામ પટેલ (ઉ.વ. 68) 1983માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ગત વર્ષે 18મી ડિસેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે ગુજરાતના બારડોલી આવ્યા હતા. બાબેન ગામમાં તાજેતરમાં સવારે સુરેશભાઈ ચક્કર આવ્યા બાદ નીચે ઢળી પડ્યાં હતા. જેથી તમને સારવાર આર્થે બારડોલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. જ્યાં તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા. જે બાદ તેમને સુરતની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. અહીં તબીબોએ બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા તેમના પરિવારજનોને અંગદાન વિશે સમજાવામાં આવ્યું હતું.
સુરેશભાઈ પટેલના પુત્ર હિરેન અને મિતેશે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મારા પિતરાઈ ભાઈની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી તે સમયે અમારા કાકા ભરતભાઈએ તેને કિડની આપી દાન આપી હતી. કિડની નિષ્ફળતાની બીમારીની પીડા અમે સારી રીતે જાણીએ છીએ. અમારા પિતા સુરેશભાઈએ અગાઉ કહ્યું હતું કે, જો હું બ્રેઈનડેડ થાઉં તો મારા અંગોનું દાન જરૂરથી કરશો. જ્યારે તબીબોએ પિતાએ બ્રેઈનડેડ જાહેર કર્યાં ત્યારે અમે પરિવારજનોએ તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે અંગદાનનો નિર્ણય કર્યો હતો.