અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. ‘પ્રાકૃતિક ખેતીમાં નવા સંશોધનો : ધરતી અને બીજની ગુણવત્તામાં વૃદ્ધિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI અને ડ્રોનનો ઉપયોગ’ વિષય પર આધારિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ધરતી માતા આપણે જીવીએ ત્યાં સુધી આપણને પ્રાકૃતિક સંપદા આપે છે. આપણે અનાજનો એક દાણો ધરતી માતાને આપીએ તો સામે એ અનેક દાણા ઉગાડીને આપણને પાછા આપે છે. રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી આપણે રત્નગર્ભા ધરતી માતાને ઝેરી બનાવીને તેની ફળદ્રુપતા હણી લીધી છે. ધરતીને પુનઃ ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલ્ફેર સોસાયટી દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી તથા અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં 17 દેશોના 2000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કૃષિ સંમેલનનો શુભારંભ કરાવતાં તેમણે કહ્યું કે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પ્રાણી જગત અને માનવતાના કલ્યાણ માટે હોવો જોઈએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી આજે આખા ભારતની ભૂમિનો ઓર્ગેનિક કાર્બન 0.2, 0.3 કે 0.4 થઈ ગયો છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે ઓર્ગેનિક કાર્બન 0.5 થી ઓછો હોય તે ધરતી બંજર કહેવાય. ભારતની ભૂમિને પુનઃ ફળદ્રુપ બનાવવી હશે, ઓર્ગેનિક કાર્બન વધારવો હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરના ઉપયોગથી ધરતીની ફળદ્રુપતા-ઓર્ગેનિક કાર્બન વધતો નથી, એટલે ઉત્પાદનમાં વૃદ્ધિ થતી નથી. ખેડૂતનો ખેતીખર્ચ પણ બમણો થતો જાય છે. અનાજમાં પોષક તત્વોની ઉણપ આવતી જાય છે. ખોરાક, હવા અને પાણીમાં ઝેરી રાસાયણિક તત્વો ઉમેરાતા જાય છે. ગ્લોબલ વૉર્મિંગ વધે છે. એટલું જ નહીં, માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર પડકાર ઊભા થયા છે. દેશી ગાયના ગોબર-ગૌમુત્ર આધારિત પ્રાકૃતિક ખેતી આ તમામ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે.
રાસાયણિક ખેતી હિંસક ખેતી છે. જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી ધરતીના મિત્ર જીવો નાશ પામે છે. એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાસાયણિક ખાતરમાં રહેલો નાઇટ્રોજન હવામાંના ઓક્સિજનના સંપર્કમાં આવતાં નાઈટ્રસ ઓક્સાઈડ નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ઘણો વધુ ખતરનાક છે. રાસાયણિક ખાતરમાં 45% તો નમક છે, જે ધરતીને પથ્થર જેવી સખત બનાવે છે. પરિણામે વર્ષાજલનો સંચય થતો નથી. ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીથી અળસિયા અને મિત્ર જીવોની સંખ્યામાં જબરદસ્ત વૃદ્ધિ થાય છે, જે ધરતીને ફળદ્રુપ બનાવે છે. એટલું જ નહીં, અળસીયા ભૂમિમાં જે છિદ્રો બનાવે છે તેનાથી પ્રાકૃતિક રીતે જ જળસંચય થાય છે. અતિવૃષ્ટિમાં પણ પાક નાશ પામતો નથી અને અનાવૃષ્ટિમાં પણ પાક બચી જાય છે. તેમણે પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) વચ્ચેનો તફાવત વિસ્તૃત રીતે સમજાવ્યો હતો અને કહ્યું કે, ઓર્ગેનિક ખેતી-જૈવિક ખેતી સફળ ખેતી પદ્ધતિ નથી. તેનાથી ખેડૂતની આવકમાં વૃદ્ધિ થતી નથી કે ખેતી ખર્ચ પણ ઓછો થતો નથી.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ધરતીને પુનઃ ઉપજાઉ બનાવવી હશે તો પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી મિશનને જન આંદોલન બનાવી દીધું છે. ભારત સરકારે પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપીને નવા અંદાજપત્રમાં નવી નાણાકીય જોગવાઈ પણ કરી છે. પ્રધાનમંત્રી પોતાના પ્રવચનોમાં પ્રાકૃતિક ખેતીની વાત કરીને રાષ્ટ્રને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રયત્નોથી રાજ્યમાં દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી સાથે રાજ્યની નવી કોલેજો જોડાઈ રહી છે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે, જે રાજ્ય બહારની કોલેજો પણ સ્વીકારી રહી છે. પ્રાકૃતિક ખેતી ઈશ્વરીય કાર્ય છે. પ્રાકૃતિક ખેતી આવનારી પેઢી માટે ઉપકારક ખેતી પદ્ધતિ બની રહેશે.
ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી મહારાજે આ અવસરે કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI ના આ યુગમાં ઋષિ ઇન્ટેલિજન્સ-RI અને નેચરલ ઇન્ટેલિજન્સ-NI ના સમન્વયની ખાસ આવશ્યકતા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ‘ઋષિતુલ્ય’ ગણાવતાં તેમણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેના તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે, પહેલું સુખ તે નિરોગી કાયા. પ્રાકૃતિક જીવનશૈલી મનુષ્યને જડથી જોડે છે. પ્રકૃતિના તત્વો; અગ્નિ, વાયુ, સૂર્ય, જલ એ સાચું ધન છે. તેમના પ્રત્યેની સાચી સમજણથી જીવન ધન્ય બને છે. ‘યુઝ એન્ડ થ્રો’ નહીં ‘યુઝ એન્ડ ગ્રો’નો યુગ આવ્યો છે. પ્રગતિમાં પ્રકૃતિનું સંરક્ષણ કરીશું તો સંતતિનું સંરક્ષણ થશે. જલક્રાંતિ ને જનક્રાંતિ બનાવવાની,જલચેતનાને જનચેતના બનાવવાની અને જલ અભિયાનને જન અભિયાન બનાવવાની આવશ્યકતા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો ને ‘ટીચ’ કરી રહ્યા છે, તેમના હૃદયને ‘ટચ’ કરી રહ્યા છે અને ખેડૂતોને રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ ‘ટ્રાન્સફર’ કરી રહ્યા છે.
રામકૃષ્ણ મિશન, રાજકોટના અધ્યક્ષ શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજે આ સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે,