Site icon Revoi.in

પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, સાથે પાકની ગુણવત્તા પણ સુધરશે : રાજ્યપાલ

Social Share

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ ખેતી બેંકની 71મી વાર્ષિક સામાન્ય સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન ઓછું નહીં થાય, બલ્કે ઉત્પાદન વધશે. એટલું જ નહીં વધુ સારી ગુણવત્તાવાળું સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન થશે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો વધ્યા છે. તેથી આપણે પ્રાકૃતિક ખેતીના મિશનને આગળ વધારવું જોઈએ. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી બે વર્ષમાં જમીનની ફળદ્રુપતા પાછી આવશે. ધરતીમાંથી ખુશ્બુ આવવા માંડશે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એટલે જૈવિક ખેતી નહીં. ખેડૂતો પણ નેચરલ ફાર્મિંગને ઑર્ગેનિક ફાર્મિંગ સમજે છે. ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે જૈવિક ખેતી સફળ નથી. વિદેશી અળસિયા પર આધારિત જૈવિક ખેતી પદ્ધતિમાં ખૂબ મોટી માત્રામાં છાણ અને વિદેશથી આયાત કરેલા અળસિયા જોઈએ છે. આ પદ્ધતિ વધુ ખર્ચાળ અને પર્યાવરણને નુકસાનકર્તા છે. ખેત ઉત્પાદનમાં પણ વધારો નથી થતો. અનેક વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ ઑર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતી પદ્ધતિમાં સફળતા નથી મળી.

જંગલમાં કોઈ માવજત વિના વૃક્ષો-પર્ણો તંદુરસ્તીથી વિકસે છે, ફળ આપે છે. જંગલમાં પ્રકૃતિ જે કામ કરે છે એ જ કામ આપણા ખેતરમાં કરે તે પ્રાકૃતિક ખેતી- એવી સરળ સમજણ આપીને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી તથા ખેડૂતના ઘરમાં ઉપલબ્ધ ગોળ અને બેસન જેવી ઘરેલુ સામગ્રીથી જ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર થઈ જાય છે. માત્ર એક ગાયના ગોબર-ગૌમૂત્રથી 15 થી 20 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સૂક્ષ્મ જીવાણુ, મિત્ર કીટક અને દેશી અળસિયા આધારિત ખેતી છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી સૂક્ષ્મ જીવાણુઓની માત્રા વધે છે, જેનાથી ધરતી ફળદ્રુપ બને છે. અળસિયા અને મિત્ર કીટક ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે. ભૂમિની ગુણવત્તા સુધરે છે. ખેડૂતોને બહારથી કોઈ જ વસ્તુઓ લાવીને પાકમાં નાખવાની જરૂર નથી, એટલે ખર્ચ પણ ઓછો આવે છે અને ઉત્પાદન વધે છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક –  ખેતી બેંકના અધ્યક્ષ  ડોલરભાઈ કોટેચા અને તમામ સંચાલકોને અભિનંદન આપતાં કહ્યું કે, સહકારી અને કૃષિ બેન્કોમાં અગ્રેસર ખેતી બેંકના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બેંકની તમામ 176 શાખાઓએ રૂ. 106  કરોડનો ગ્રોસ નફો કર્યો છે. ખેતી બેંકની મદદથી ખેડૂતો પણ સલામત અને સમૃદ્ધ થયા છે.

આ પ્રસંગે મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ તથા સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય અને આવક બમણી થાય તે દિશામાં સતત પ્રયાસ થઇ રહ્યા છે. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને કહ્યું હતું કે, દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે રાજ્યો એવા છે જ્યાં સહકારી પ્રવૃત્તિનો અભ્યાસ કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થાય તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.