Site icon Revoi.in

AIના જવાબદાર વિકાસ, નિયુક્તિ અને અપનાવવાની પ્રતિબદ્ધતા સાથે ગ્લોબલ ઈન્ડિયા AI સમિટનું આયોજન

Social Share

નવી દિલ્હીઃ કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર વિકાસ, અમલ અને અપનાવવા માટે ભારત સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય 3 અને 4 જુલાઈ, 2024નાં રોજ નવી દિલ્હીમાં ‘ગ્લોબલ ઈન્ડિયાએ આઈ સમિટ’નું આયોજન કરી રહ્યું છે. સમિટનો હેતુ એઆઈ ટેક્નોલોજીના નૈતિક અને સમાવિષ્ટ વિકાસ માટે ભારતના સમર્પણને રેખાંકિત કરીને સહયોગ અને જ્ઞાનના વિનિમયને પ્રોત્સાહન આપવાનો છે.

• ગ્લોબલ ઈન્ડિયાએઆઈ સમિટ 2024
આ સમિટ વિજ્ઞાન, ઉદ્યોગ, નાગરિક સમાજ, સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને શિક્ષણ જગતના અગ્રણી આંતરરાષ્ટ્રીય એઆઈ નિષ્ણાતોને એઆઈ મુદ્દાઓ અને પડકારો પર આંતરદૃષ્ટિ શેર કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઇવેન્ટ AIની જવાબદાર પ્રગતિ, વૈશ્વિક એઆઈ હિતધારકો વચ્ચે સહયોગ અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના સમર્પણને રેખાંકિત કરે છે. ગ્લોબલ ઈન્ડિયા એઆઈ સમિટ 2024 દ્વારા, ભારત એઆઈ ઈનોવેશનમાં વૈશ્વિક લીડર તરીકે પોતાને સ્થાપિત કરવાની ઈચ્છા ધરાવે છે, એ સુનિશ્ચિત કરીને કે એઆઈ લાભો બધા માટે સુલભ છે અને રાષ્ટ્રના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશિપના (GPAI) લીડ ચેર તરીકે, ભારત સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વાસપાત્ર એઆઈ માટે જીપીએઆઈની પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે સભ્ય દેશો અને નિષ્ણાતોને પણ હોસ્ટ કરશે.

• ઈન્ડિયા એઆઈ મિશન
ઈન્ડિયા એઆઈ મિશનનો ઉદ્દેશ્ય એક વ્યાપક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે જે કમ્પ્યુટિંગ ઍક્સેસને લોકતાંત્રિક બનાવીને, ડેટા ગુણવત્તામાં વધારો કરીને, ટોચની એઆઈ પ્રતિભાઓને આકર્ષિક કરીને, ઉદ્યોગ સહયોગને સક્ષમ કરીને, સ્ટાર્ટઅપ જોખમ મૂડી પ્રદાન કરીને, સામાજિક રીતે પ્રભાવશાળી એઆઈ પ્રોજેક્ટ્સ સુનિશ્ચિત કરીને અને નૈતિક એઆઈ પ્રોત્સાહન આપીને એઆઈ ક્ષમતાઓને પ્રોત્સાહન આપે છે. આ મિશન નીચેના સાત સ્તંભો દ્વારા ભારતના એઆઈ ઇકોસિસ્ટમના જવાબદાર અને સમાવિષ્ટ વિકાસને આગળ ધપાવે છે જે વૈશ્વિક ઈન્ડિયા એઆઈ સમિટનું મુખ્ય કેન્દ્ર હશે.