અમદાવાદઃ ગુજરાતના આયોજન, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન કરવામાં આવશે. 10 જાન્યુઆરી 2024 માટે આયોજિત આ સેમિનાર ગુજરાતના ભવિષ્ય માટેના રોડમેપ વિશે મુખ્ય હિતધારકો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન કરવા અને રાજ્યની પ્રગતિના માર્ગને પ્રોત્સાહન આપવા માટે એક મંચ તરીકે કામ કરશે.
કોન્ફરન્સની વિગતો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, સેમિનારનો ઉદ્દેશ્ય એવા વિચારોનું મંથન કરવાનો છે, જે સહયોગી ચર્ચાઓ દ્વારા વિવિધ થીમ્સ અને વિષયો પર 2047 માટે ગુજરાતના રોડમેપને વિકસાવવામાં યોગદાન આપશે. તેમણે ઉમેર્યું હતું કે સત્રમાં વૈશ્વિક ઉદ્યોગના હિસ્સેદારો, નિષ્ણાતો અને ઉદ્યોગ અગ્રણીઓ વિવિધ વિષયો પર તેમના મૂલ્યવાન મંતવ્યો શેર કરશે, જે વૈશ્વિક બેન્ચમાર્ક પર આધારિત રાજ્યની વિકસિત સ્થિતિને વ્યાખ્યાયિત કરશે અને 2047 સુધીમાં લક્ષ્યાંકિત સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના રોડમેપ પર પરિપ્રેક્ષ્યો શેર કરશે.
સેમિનારની વિગતો શેર કરતા તેમણે કહ્યું કે ‘તેમાં બે ટેક્નિકલ સત્રો હશે. ટેક્નિકલ સત્ર – 1માં ‘ગુજરાતના 2047 માટેના વિઝન‘ અને “નારી શક્તિ: મહિલાઓના નેતૃત્વમાં વિકાસ” જેવા વિષયો પર પેનલ ડિસ્કશન કરવામાં આવશે. ટેકનિકલ સત્ર – 2માં 2047 માટે ગુજરાતના વિઝન પર પેનલ ડિસ્કશન કરવામાં આવશે, જેમાં વિકસિત ગુજરાત@ 2047 માટે ગુજરાતનો રોડમેપ: USD 3.5 ટ્રિલિયન સ્ટેટ ઈકોનોમી માટે વિઝન, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે અવકાશ અને ભવિષ્યના ઉદ્યોગો અને સેવાઓ માટે વૈશ્વિક ધોરણોનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.‘
આ ઉપરાંત, સેમિનારમાં પ્રતિષ્ઠિત વક્તાઓ જેમ કે NITI આયોગના CEO શ્રી બી.વી.આર. સુબ્રહ્મણ્યમ, તેમજ કેપેસિટી બિલ્ડિંગ કમિશનના અધ્યક્ષ આદિલ જૈનુલભાઈ, યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ સુશ્રી સિન્થિયા મેકકેફ્રે અને મન દેશી બેંકના સ્થાપક અને ચેરપર્સન સુશ્રી ચેતના ગાલા સિન્હા સંબોધન કરશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘વિકસિત ગુજરાત દ્વારા, અમે એવા ભવિષ્યની કલ્પના કરીએ છીએ જ્યાં દરેક નાગરિક એક “વેન્યુડ” અને “વેલ્યુએબલ” સમાજના માળખામાં “લિવિંગ વેલ” અને “અર્નિંગ વેલ” હશે. આ બે પરિમાણો નાગરિકો અને રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસને આવરી લે છે.
અંતમાં તેમણે જણાવ્યું કે આ સેમિનાર વિચારોના મનોમંથન માટે તૈયાર છે, જેમાં અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ, સરકારી દિગ્ગજો અને ગુજરાતના અન્ય અગ્રણી મુખ્ય હિતધારકો ભાગ લેશે. 2047માં વિકસિત ભારત તરફ ગુજરાતની સફર માટે વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં તેમની સામૂહિક આંતરદૃષ્ટિ મહત્ત્વપૂર્ણ રહેશે.