અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જેથી નવરાત્રિ પૂર્ણ થયા બાદ લોકો દિવાળીની ખરીદી શરૂ કરશે. દરમિયાન અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સમયક વિમેન ગ્રુપ દ્વારા ધ ગ્રેન્ડ દિવાલી મેલાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પુજા પાર્ટીપ્લોટમાં તા.7થી 9 ઓક્ટોબર ત્રિદિવસીય મેળો યોજાશે. અહીં નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી કપડાં, જ્વેલરી, ડ્રાયફ્રુટ્સ અને મીઠાઈ સહિત દિવાળીની તમામ વસ્તુઓ એક જ સ્થળ ઉપરથી મળી રહેશે.
ક્લબના પ્રોપરાઈટર રાખીબહેન શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2007થી દર વર્ષે રક્ષાબંધન અને દિવાળીના તહેવાર ઉપર વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં જાણીતી સંસ્થાઓ ઉપરાંત મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓએ તૈયાર કરેલી વસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવે છે. આ વર્ષે દિવાલી મેલામાં 40 જેટલા સ્ટોલ હશે, જે પૈકી ચાર સ્ટોલ ઉપર દિવ્યાંગ વ્યક્તિઓએ તૈયાર કરેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અહીં મનોરંજનની સાથે લોકોના જ્ઞાનમાં વધારો થાય તેવા વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે કોમ્પીટીશન અને બીજા દિવસે મ્યુઝીકનો કાર્યક્રમ યોજાશે, જ્યારે ત્રીજા દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત થેલોસેમિયા પીડિત બાળકો માટે ખાસ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે.