Site icon Revoi.in

રાજકોટમાં નવરાત્રિના આયોજકોએ હવે આકરી શરતોનું પાલન કરવું પડશે

Social Share

  રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના ફાયર વિભાગ અને પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે રાજકોટમાં જ નવરાત્રીના આયોજકો માટે પોલીસે કડક ગાઈડ લાઈન જાહેર કરી છે. નવરાત્રિના આયોજકો પાસે સરકારની એનઓસી, અને લાયસન્સ હશે તો જ પોલીસ દ્વારા રાસ-ગરબાની મંજુરી આપવામાં આવશે. પોલીસે ગરબે રમવા આવતા ખેલૈયાઓ માટે પણ કેટલાક નિયમો જારી કર્યા છે. જોકે તમામ નિયમોનું પાલન કરવું આયોજકો માટે અઘરૂ હોવાથી નારાજગી જોવા મળી રહી છે.

રાજકોટ શહેરમાં નવરાત્રિના પર્વમાં અર્વાચીન રાસોત્સવના આયોજકો માટે પોલીસે આકરા નિયમો જાહેર કર્યા છે. પોલીસ દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકા મુજબ હવે વિવિધ સરકારી વિભાગોના તમામ પ્રકારનાં લાઇસન્સ અને મંજૂરીઓ હશે, તો જ પોલીસ દ્વારા ગરબાનાં આયોજનોને મંજૂરી આપવામાં આવશે.

ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાઇસન્સ આપતા પૂર્વે તમામ એસઓપીનું પાલન ફરજિયાત કરવું પડશે. કોઈપણ નાની-મોટી ત્રૂટીઓ ગ્રાઉન્ડની કેપેસિટીથી લઈ સિક્યોરિટી વ્યવસ્થા, ફાયર એનઓસી અને બુકિંગ લાઇસન્સ તેમજ પર્ફોમિંગ લાઇસન્સ અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે. અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાઇસન્સ બ્રાન્ચથી ફોર્મ આપવામાં આવશે. જે ફોર્મમાં આપેલી શરતો તમામ દસ્તાવેજો અને જરૂરી મંજૂરી સાથેના પુરાવાઓ રજૂ કર્યા બાદ અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાઇસન્સ આપવામાં આવશે. ગરબામાં આવતા ખેલૈયાઓ માટે પણ નિયમો જાહેર કરાયા છે. જેમાં તમામ ખેલૈયાઓનો વીમો લેવો ફરજિયાત છે. તેમજ આયોજકો દ્વારા સિક્યોરિટીની સંપૂર્ણ માહિતી, ફાયર એનઓસી ઉપરાંત ગરબા ગ્રાઉન્ડના સ્થળે ઈમર્જન્સી ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવી પડશે. ઉપરાંત સ્ટ્રક્ચર, સ્ટ્રેબિલિટી સર્ટિફિકેટ તેમજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવતા કેન્ટીનના કોન્ટ્રાક્ટમાં ફૂડ સેફ્ટી અને ફૂડ લાઇસન્સનો નિયમ પણ રહેશે. જો આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું હશે, તો ભાડે આપનારની સંપૂર્ણ માહિતી પણ પોલીસને આપવાની રહેશે.

આ ઉપરાંત આયોજન સ્થળે પાર્કિંગ વ્યવસ્થા તેમજ ફાયર અને સુરક્ષા વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી એક્ઝિટ સહિતની બાબતો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ બાબતોની મંજૂરી સાથેના દસ્તાવેજો ચકાસ્યા બાદ જ પોલીસ દ્વારા લાઇસન્સ આપવામાં આવશે. કોઈપણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં. ઉપરાંત નવરાત્રિના સમયમાં સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તો સાથે જ યુવતીઓની સુરક્ષા માટે ખાસ she ટીમ પણ સાદા ડ્રેસમાં ખડેપગે રહેશે.