અમદાવાદઃ જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા ફિલ્મ અમૃત મહોત્સવ અંતર્ગત ૧ થી ૫ મિનિટની ટૂંકી ફિલ્મોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશના નાગરીકો કે જેની ઉંમર ૧૦ વર્ષ કે તેથી વધુ હોય તે ભાગ લઇ શકશે. ગ્રામ્ય વિસ્તારની અન્ય સ્થાયી સંસ્થાઓ, સમુદાય આધારીત સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં પ્રોત્સાહિન રૂપે લાખો રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે.
ભારત સરકારના પેય જળ મંત્રાલય અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ યોજના અંતર્ગત સ્વચ્છતા ફિલ્મ અમૃત મહોત્સવ અંતર્ગત ટૂંકી ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ સ્પર્ધાને બે કેટેગરીમાં વિભાજીત કરવામાં આવેલ છે. પ્રથમ કેટેગરીમાં બાયોડિગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ, ગોબરધન, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રે વોટર મેનેજમેન્ટ, ફિક્સ સ્લઝ મેનેજમેન્ટ, Behavior Change તેમજ બીજી કેટેગરીમાં ભૌગોલિક વિસ્તાર પ્રમાણે આ ફિલ્મોમાં મુખ્ય ઉદેશ સાફલ્યવાદી સ્વચ્છતા સંદેશ આપવાની સાથે ઘન પ્રવાહી કચરા નિકાલના વ્યવસ્થાપન અંતર્ગત ગ્રામિણ વિસ્તારોના મુખ્ય પાંચ ભૌગોલિક પ્રદેશ જેવા કે રણ વિસ્તાર, ડુંગરાળ વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો, મેદાનોમાં પુરના જોખમ વાળા વિસ્તારોમાં કરવામાં આવેલ નવીનીકરણને પ્રદર્શીત કરી ગ્રામીણ વિસ્તારને ગંદકી મુક્ત કરવા પ્રેરીત કરવાનો છે. આ ફિલ્મ ૧ થી ૫ મિનિટની હોવી જોઇએ. માન્ય રહેતી ભારતીય ભાષાઓ, બોલીમાં હોવી જોઇએ.
બન્ને કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને નવી દિલ્હી ખાતે નવા વર્ષમાં પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.