મુંબઈઃ મોબાઈલ નેટવર્ક 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી જૂથ દ્વારા પણ અરજી કરવામાં આવી છે જેથી વિવિધ અટકળો વહેતી થઈ હતી. અદાણી જૂથના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારા વ્યવસાય માટે 5જી સ્પેક્ટ્રમ ખુબ જરૂરી છે.
5જી સ્પેક્ટ્રમ માટે ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ અરજી કરવાની સાથે અદાણી ગ્રુપ દ્વારા પણ અરજી કરવામાં આવી છે. જેથી અદાણી જૂથ પણ ટેલિકોમ સેક્ટરમાં ઝંપલાવી રહ્યાંનું અને ગ્રાહકોને મોબાઈલ સેવા પુરી પાડવાની દિશામાં આગળ વધી રહ્યાની અટકળો વહેતી થઈ હતી. જો કે, અદાણી જૂથના ઉચ્ચ અધિકારીએ તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકીને કહ્યું હતું કે, 5જી સ્પેક્ટ્રમ માટે અરજી કરવામાં આવી છે. અમારા વ્યવસાય માટે 5જી સ્પેક્ટ્રમ જરૂરી છે, અદાણી જૂથ એરપોર્ટ, પોર્ટ માટે સાયબર સિક્યુરિટી, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, વિતરણ અને વિવિધ ક્ષેત્રોમાં ઉન્નત સાયબર સુરક્ષા સાથે ખાનગી નેટવર્ક સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે 5G સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લઈ રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે સુપર એપ્સ, એજ ડેટા સેન્ટર્સ અને ઈન્ડસ્ટ્રી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સને સમાવતું અમારું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવીએ છીએ, અમને ઉચ્ચ આવર્તન દ્વારા અતિ ઉચ્ચ ગુણવત્તાની ડેટા સ્ટ્રીમિંગ ક્ષમતાઓની જરૂર પડશે.
અત્યંત હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી જેવી 5G ટેલિકોમ સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટેની ચાર કંપનીઓએ અરજી કરી હોવાનું જાણવા મળે છે. હવે આ હરાજી 26 જુલાઈના રોજ થવાની છે.