7,ઓગસ્ટ રાજકોટ:જૂનાગઢમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન આયોજિત ઉપલબ્ધિ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર ‘સહકાર સે સમૃદ્ધિ’ને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના સહકાર વિભાગ દ્વારા છેવાડાના લોકોને સહકારી ફાયદો થાય તે માટે વિવિધ વિસ્તારના સેવા રત્ન મહાનુભાવોની વરણી કરાઈ છે.
આ પ્રસંગે રૂપાલાએ જણાવ્યું હતું કે,આજે દેશના સહકારિતા ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે અને ગુજરાતના સહકારિતા ક્ષેત્રને દેશ-દુનિયામાં વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આપણા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સફળ રહ્યાં છે. એવામાં આ અગ્રણીઓનો સન્માન કાર્યક્રમ ખૂબ જ પ્રાસંગિક છે. મત્સ્ય પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા ઉપલબ્ધિ અભિવાદન સમારોહમાં મુખ્ય ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સહકારિતા ક્ષેત્રમાં સક્રિય ઇફકોના ચેરમેન તથા અમરેલી કોપરેટીવ બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની નેશનલ કો ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે વરણી તેમજ ડોલરભાઈ કોટેચાની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ બેંકના ચેરમેન તરીકે તેમજ બીપીનભાઈ પટેલની સહકારિતા સેલ ભાજપના કન્વીનર તરીકેની નિયુક્તિ થતા આ વિશિષ્ટ સેવા માટે તેમનું અભિવાદન કરવા માટે ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.