Site icon Revoi.in

આપણો ઈતિહાસ, આપણું ગૌરવ – હિન્દુ ધર્મમાં કેમ ગાયને પવિત્ર માનવામાં આવે છે? વાંચો આપણો વારસો

Social Share

ભારતીય સંસ્કૃતિ એટલી મહાન અને પ્રાચીન છે કે તે કેટલી જૂની છે તેના વિશે તો આજ સુધી કોઈ અંદાજ લગાવી શક્યું નથી અને તે સંસ્કૃતિમાં દરેક પ્રાણીને સન્માન આપવામાં આવ્યું છે. તેની પૂજા-જતન અને અર્ચના વિશે જણાવવામાં આવ્યું છે. આવામાં વાત કરવામાં આવે તો ગાયની પૂજાને લઈને પણ આપણા હિન્દુ સંસ્કૃતિમાં ઘણું કહેવામાં આવ્યું છે. આપણા હિન્દુ શાસ્ત્રો તથા પુરાણોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તેમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે.

ગા વૈ પશ્યામ્યહં નિત્યં ગાવઃ પશ્યન્તુ માં સદા ।
ગાવોડસ્માકં વયં તાસાં યતો ગાવસ્તતો વયમ્ ।।

મહાભારતના આ શ્લોકમાં ગાય વિશે અનેક મહત્વની વાત કહેવામાં આવી છે. સાથે આ શ્લોકનો અર્થ એ થાય છે કે હું નિત્ય ગાયનું દર્શન કરું અને ગાય મારા પર કૃપાદૃષ્ટિ કરે. ગાય અમારી છે અને અમે ગાયના છીએ. જ્યાં ગાય રહે ત્યાં જ અમે રહીએ. કારણ કે, ગાય છે તેને લીધે જ તો અમે પણ છીએ.

મહાભારતની જેમ જ અનેકવિધ પુરાણોમાં ગાયમાતાની સ્તુતિ અને મહત્તાનું વર્ણન મળે છે. અને સાથે જ રસપ્રદ કથાનકોનો પણ ઉલ્લેખ મળે છે. આવી જ એક કથા 33 કોટિ દેવી-દેવતાના ગાયમાતામાં નિવાસ કરવા સાથે પણ જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું. આપણા શાસ્ત્રમાં પાંચ ગાય એટલે નંદા, સુભદ્રા, સુરભિ, સુશીલા અને બહુલાને પવિત્ર નામ ગણવામાં આવ્યા છે.

આ પાછળનો ઈતિહાસ પણ ખુબ રસપ્રદ છે, આ વાતને લઈને કહેવામાં આવે છે કે દંતકથા અનુસાર દેવો અને દાનવોએ સહમતિથી કામધેનુનો અધિકાર શિવજીને સોંપ્યો અને શિવજીએ તે ગાયનું ઋષિઓને દાન કરી દીધું. જેમાંથી ઋષિ જમદગ્નિને નંદા ગાયની પ્રાપ્તિ થઈ. આશ્રમમાં નંદા ગાયના ચમત્કાર જોઈ ઋષિ જમદગ્નિ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. તેમણે નંદા ગાયને પોતાની માતા સમાન સ્થાન આપ્યું. ત્યારે દેવતાઓએ પરીક્ષા લેવાના હેતુથી ઋષિ જમદગ્નિને કહ્યું કે, “જો નંદા ખરેખર તમારી માતા હોય, તો બધાં જ દેવોને તેમના ખોળામાં સ્થાન દઈને બતાવે !”

પ્રચલિત કથા એવી છે કે નંદાએ બધાં જ દેવી દેવતાઓને તેમનામાં જ સમાવી દીધાં. દેવતાઓને સ્વયંની ભૂલનું ભાન થયું. તેમણે કામધેનુ નંદાની ક્ષમા માંગી અને તેમને માતા સમાન માન્યા. તેમજ ગાયમાં સદૈવ નિવાસ કરવાનો નિર્ણય પણ લીધો. કહે છે કે ત્યારથી જ ગાયમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ છે. અને ગાયના પૂજનથી તમામ દેવી-દેવતાઓના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે.