કોમ્પ્યુટર બ્રાન્ચના 51માંથી 46 વિદ્યાર્થીઓને મશીન લર્નિંગ વિષયમાં નાપાસ કરાતા GTUમાં રજુઆત
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવાયેલી પરીક્ષામાં શહેરની એક ઇજનેરી કોલેજમાં કોમ્પ્યુટર એન્ડ સાયન્સ બ્રાન્ચના કુલ 51 પૈકી 46 વિદ્યાર્થીઓને મશીન લર્નિગ વિષયમાં નાપાસ જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે. આ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ કરાવ્યા પછી પણ પરિણામમાં કોઇ ફેર પડયો નહોતો. વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીઓ આરટીઇમાં માગ્યા બાદ તમામ જવાબો લખ્યા હોવાનું બહાર આવ્યા પછી પણ પરિણામમાં કોઇ ફેર ન પડતાં હવે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને પત્ર લખીને આ કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર માસમાં સેમેસ્ટર 7ની પરીક્ષા લેવામાં આવી હતી. શહેરની નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મશીન લર્નિગ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 51માંથી 46 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં તમામ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ માટે અરજી આપી હતી. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પુનઃમૂલ્યાંકનમાં પણ પરિણામમાં કોઇ ફરક પડયો નહોતો. કેટલાક વિદ્યાર્થીઓએ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં પોતાની ઉત્તરવહીઓ માંગી હતી. મહત્વની વાત એ કે, વિદ્યાર્થીઓએ ઉત્તરવહીઓમાં તમામ પ્રશ્નોના જવાબો લખ્યા છે. આમ છતાં મોટાભાગના વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરી દેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ યુનિના સત્તાધિશો સમક્ષ એવી રજુઆતો કરી હતી કે, સાતમુ સેમેસ્ટર અમારા માટે મહત્વનું છે કારણ કે, સાતમુ સેમેસ્ટર પાસ ન કરીએ ત્યાં સુધી આઠમા સેમેસ્ટરમાં ગમે તેટલું સારુ પરિણામ આવે તો પણ કોઇ અર્થ રહેતો નથી. વિષયો પણ નવા છે આમ છતાં વિદ્યાર્થીઓે જેટલુ શીખવવામાં આવ્યું છે તેમાંથી સારી રીતે જવાબો આપવા પ્રયાસ કર્યો છે.
વિદ્યાર્થીઓએ તાજેતરમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખીને વિદ્યાર્થીઓે સંતોષ થાય તે પ્રકારે કોઇ ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી. આ મુદ્દે કોલેજના સત્તાધીશો કહે છે વિદ્યાર્થીઓની રજૂઆત મળી છે. આ રજૂઆતના આધારે અમે યુનિવર્સિટીને પત્ર લખીને યોગ્ય કરવા રજૂઆત કરી છે. હજુ સુધી યુનિવર્સિટીમાંથી કોઇ જવાબ આવ્યો નથી. વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે અમે યુનિવર્સિટી સત્તાધીશો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ.