મોરબીઃ ગુજરાતમાં પોઈચા પાસે નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાનો બનાવ તાજો જ છે. ત્યાં મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની ફાયર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.
કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે લોકો નદીમાં નહાવા માટે જતા હોય છે, ત્યારે પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકો ડુબી ગયા હતા. મોરબીના નવા સાદુળકા ગામ પાસે મચ્છુ નદીમાં સાત યુવાનો નાહવા પડ્યા હતા. દરમિયાન એક યુવાન ઊંડા પાણીમાં ડુબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બે યુવાનોએ પ્રયાસ કરતા ત્રણેય યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે અન્ય ચાર યુવાનોએ બહાર આવીને બુમાબુમ કરી મુકી હતી. દરમિયાન આજુબાજુથી લોકો એકઠા થઈ ગયા હતા. અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને કોલ કરાતા પોલીસ અને ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. અને તરવૈયાઓને હોડી સાથે નદીમાં ઉતારીને ત્રણેય યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. પણ કોઈ પત્તો લાગ્યો નથી.
નદીમાં નાહવા પડેલા યુવકોમાં બચી ગયેલા એક યુવાને જણાવ્યું હતું કે અમે સાત ભાઈબંધ-દોસ્તારો અહીં નાહવા માટે આવ્યા હતા, જેમાથી કોઈને તરતા આવડતું નહોતું, પણ એક ભાઈબંધ થોડું તરવાનું જાણતો હતો. ત્યાં એક જણે નદીમાં ડૂબકી મારી અને તણાવા લાગ્યો, જેથી તેને બચાવવા પડેલા બીજા બે ભાઈબંધો પણ એક પછી એક તણાવા લાગ્યા અને ડૂબી ગયા હતા.
સૂત્રોના કહેવા મુજબ મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજાની મરામત કરવાના હોવાથી ડેમ ખાલી કરવામાં આવી રહ્યો છે. જેથી ડેમમાંથી પાણી છોડાતાં સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતાં તેના દરવાજા ખોલાયા હતા. ત્યારે સાદુળકા ગામ પાસે પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા. નદીમાં ડુબી ગયેલાના નામ પરમાર ચિરાગ તેજાભાઇ ( ઉ.વ.20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભૂપેન્દ્રભાઈ (ઉ.વ. 16 વર્ષ) અને ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (ઉ.વ.17 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે.