Site icon Revoi.in

પીએસઆઈ અને એલઆરડીની જગ્યા માટે 8.63 લાખ ફોર્મમાંથી 7.11 લાખ કન્ફર્મ કરાયા

Social Share

ગાંધીનગરઃ  રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈ અને લોક રક્ષકદળ યાને એલઆરડીની ખાલી પડેલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાતા પોલીસ ભરતી બોર્ડને ગુરૂવાર સુધીમાં કુલ 8.63 લાખ અરજીઓ મળી છે. જેમાં સ્કુટીની દરમિયાન 7.11 લાખ અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30મી એપ્રિલ છે. એટલે હજુ પણ અરજીઓમાં વધારો થશે.

ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, તે પોલીસ વિભાગને પીએસઆઈ અને એલઆરડીની ખાલી જગ્યાઓ માટે મળેલી અરજીઓથી જોઈ શકાય છે. અત્યાર સુધી કુલ 8.63 લાખ જેટલી અરજીઓ આવી છે. જેમાંથી 7.11 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે. ફી ભરવાનો અંતિમ દિવસ 7 મે છે. ઉમેદવારો 30 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખને હજૂ 5 દિવસ બાકી છે. ઉમેદવારોને ફોર્મ ભરવામાં પડતી સમસ્યા અંગે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

ભરતી બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેદવારોએ ઝડપથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા જોઈએ કારણ કે 8.63 લાખ જેટલી અરજીઓ થઈ છે. અંદાજિત દોઢ લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે. તેમાં ફોટો અને સહી અપલોડ નથી થયા. ફોટો અને સહી અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ થાય છે. જેમ જેમ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસો આવશે તેમ તેમ સાઈટ ઉપર લોડ વધશે. તેથી જે ઉમેદવારોની અરજી કન્ફર્મ નથી થઈ તેમને ઝડપથી અરજી કન્ફર્મ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. દરરોજ અંદાજિત 25000 જેટલી અરજીઓ ઉમેરાય છે. હજી પાંચ દિવસમાં એક લાખથી દોઢ લાખ અરજીઓ આવે તેવી સંભાવના છે. વેબસાઈટ ઉપર શેડ્યૂલ મૂકવામાં આવ્યો છે. શારીરિક કસોટી નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવશે. લેખિત કસોટી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. વર્ષ 2025 માં લોકરક્ષકની ભરતી પૂર્ણ કરવામાં આવશે. સપ્ટેમ્બર 2025માં પીએસઆઈની ભરતી પૂર્ણ કરવામાં આવશે.