Site icon Revoi.in

વરસાદ ખેંચાતા વિષમ્ સ્થિતિ, કુલ 207 ડેમમાંથી માત્ર ત્રણ જ સંપૂર્ણ ભરાયેલા છે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ રિસામણા કરતાં ખેડુતો ચિંતિત બન્યા છે. વાદળો ગોરંભાયા છે, પણ વરસાદ પડતો નથી. હવે તો હવામાન ખાતાની આગાહીને પણ મેઘરાજા ખોટી પાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એક તરફ સરકારે એવું જાહેર કર્યું છે કે રાજ્યના 56 ડેમમાં 31 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે. ત્યારે બીજી બાજુ નર્મદા ડેમમાં પાણીની આવક વધી હોવા છતાં સરકાર ઓગસ્ટ સુધી જ ખેડૂતોને પાણી આપવાની વાતો કરે છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને ઊભો પાક બચાવવા માટે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળીયા ઝાટક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ થવાથી પાણીની તંગી ઉભી થવા પામી છે. ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે.

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે ય રઝળપાટ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના 141 પૈકી માંડ બે ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહાયેલો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40.03 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, આખા ગુજરાતમાં ડેમોના પાણીને લઈ હાલ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60.40 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વખતે સ્થિતિ ખરાબ છે.

ભાવનગર જિલ્લામાં ચોમાસાની સિઝનને અઢી માસ પૂરા થવા આવ્યાં છતાં વરસાદ માંડ 41 ટકા થયો છે તેની તુલનામાં ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં 68.46 ટકા જળનો જથ્થો સંગ્રહિત થઇ ગયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં સૌથી વધુ છે.  ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ 34.74 ટકા જળસંગ્રહ થયો છે તેમાં ચાર જિલ્લામાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે. જેમાં ભાવનગરમાં 68.46 ટકા, અમરેલીમાં 64.00 ટકા, નવસારીમાં 62.52 ટકા અને વલસાડ જિલ્લામાં કુલ સંગ્રહ ક્ષમતાના 61.23 ટકા જળનો સંગ્રહ થયો છે.