સુરેન્દ્રનગરઃ શહેરની વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર આડેધડ દબાણો ખડકાયેલી હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. તેમજ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા, આથી રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવા માટે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. અને 100થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. જો કે હજુ 50 ટકા એટલે કે અડધા દબાણો દુર કરી શકાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના પીએસઆઈ એલ.બી. બગડા અને તેમની ટીમે તેમજ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ આર.એમ. સંઘાડા અને તેમની ટીમ અને સુરેન્દ્રનગર-દૂધરેજ- વઢવાણ પાલિકાની ટીમને સાથે રાખીને શહેરના જુદા જુદા માર્ગો અને સ્થળોએ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના હેન્ડલૂમ ચોકથી ટાંકી ચોક, ટાંકી ચોકથી વાદીપરા, વાદીપરાથી મલ્હારચોક અને મલ્હાર ચોકથી ટીબી સુધી વિસ્તારમાં કેબીનો, લારી, ગલ્લા, પાથરણાવાળા સહિત કુલ અંદાજે 100થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરના માર્ગો પરથી 10.30 થી લઇને બપોરના 2.30 કલાક સુધીમાં 50 ટકા જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા રોડ પરથી હટાવેલા દબાણો ફરી ન થાય તેની તકેદારી રાખવાની માગ ઊઠી છે. શહેરમાં રોડ પરથી લારી-ગલ્લાના દબાણો હટાવાયા બાદ ફરી એ જ સ્થળે દબાણો થઈ જતા હોય છે. રોડ પરના દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે હાલ 50 ટકા જ દબાણો જ હટાવાયા છે. તેથી વાગનચાલકો અને રાહદારીઓને થોડી રાહત થઈ છે.