અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે, ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે, બીજી તરફ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનના 13 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ તમામ રૂટ મુંબઈ – અમદાવાદને જોડતાં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશને જોડતી 11 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. તેમજ 42 જેટલી ટ્રેનના રૂટ ડ્રાઇવર્ટ કરાયા છે. તો રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 200થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. જ્યારે નર્મદા નદી પરનો જુનો બ્રીજ બંધ કરી વાહનોને નવા બ્રીજ ઉપર ડ્રાઇવર્ટ કરાયા છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ નદીમાં પાણી વધતાં નીચાણ વાળા વિસ્તારોમાં આવેલાં રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યાં છે. આથી ભરૂચ જિલ્લામાં ભરૂચનો શુકલતીર્થ – ઝનોર રોડ તેમજ ઝગડીયા તાલુકાના ઉમ્મલાથી પાણેથા વેલુગામ રોડ પર પાણી ફરી વળતાં સાવચેતી અને સલામતી હેતુ આ માર્ગ પણ બંધ કરાયો છે તેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારી અનિલ વસાવાએ જણાવ્યું હતું. તંત્ર એ અપીલ કરી હતી કે, આ રોડ પર આવેલાં ગામનાં લોકોએ શક્ય હોઈ તો ત્યાં સુઘી આ રોડ પરથી અવરજવર ટાળવી જોઈએ. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલ વ્યવહારને અસર થઈ છે. દરમિયાન 13 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ, ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ રદ કરાઈ છે.