કુવૈતમાંથી વિચલિત કરે તેવી ખબર સામે આવી છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાંથી આગની ખબર સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે તેમા ૪૯ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેમાંથી ૪૦ થી વધુ ભારતીયો હોવાનું મનાઈ રહ્યું છે.જો કે ૪૦ ભારતીયોના મોતની પુષ્ટિ થઈ નથી. આ દુર્ઘટનામાં ૩૦ ભારતીયો સહિત ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે અને આ સતાવર આંકડો વધુ હોઈ શકે છે.
વિદેશમંત્રી એસ જયશંકરે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં ૩૦ ભારતીયો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે ભારતીય રાજદૂત ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલો સાથે મુલાકાત કરી છે. ન્યુઝ એજન્સી રોયટર્સના અહેવાલ બુજબ, આ દુર્ઘટના કુવૈતના સમય મુજબ આજે સવારે લગભગ ૬ વાગ્યે થઈ હતી.
સવારે ગ્રાઉન્ડફ્લોર કિચનમાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાઈ ગયા હતા. આગ લગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ આ ઇમારતમાં ૧૬૦ થી વધુ લોકો રહેતા હતા. ગૃહમંત્રી શેખ ફહદ અલ- યુસુફે જણાવ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા, તેથી મૃત્યુ પામેલા લોકો વિશે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી.
ભારતીય દુતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું કે – આજે ભારતીય લોકો સાથે બનેલી દુ:ખદ દુર્ઘટનાના સંદર્ભમાં ઇમરર્જન્સી હેલ્પ લાઈન નંબર +૯૬૫-૬૫૫૦૫૨૪૬ સાથે જોડાઓ. એમ્બસી તમને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
કુવૈતના એક વરિષ્ઠ પોલીસ કમાંડરે જણાવ્યું કે એક જ રૂમમાં કેટલાય લોકો રહે છે. આ મજૂરો પૈસા બચાવવા માટે આવું કરે છે. આને લઈને સમય સમય પર ચેતવણી આપવામાં આવે છે કે જાણકારી વગર બિલ્ડિંગમાં કોઈ ના રહે.
કુવૈત સરકારે બિલ્ડિંગ માલિકની ધરપકડનો આદેશ આપ્યો છે. કુવૈતના ગૃહ મંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે બિલ્ડિંગ માલિકની ધરપકડનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આવી ઘટનાઓ રિયલ એસ્ટટ માલીકોના લોભના કારણે બને છે. કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ, વધુ ભાડાના લોભમાં બિલ્ડિંગ માલિકો એક જ રૂમમાં ઘણા લોકોને રાખે છે. કુવૈત ભારતીય દૂતાવાસ અનુસાર કુવૈતની વસ્તીના ૨૧% (૧૦ લાખ ) લોકો ભારતીય છે જ્યારે ૩૦% કર્મચારિયો (આશરે ૯ લાખ )ભારતીયો છે. કુવૈત આશરે ૪૨ લાખની વસ્તી ધરાવતો દેશ છે. જે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો જાણીતો તેલ ભંડાર ધરાવે છે. રાષ્ટ્રમાં અગાઉ ભૂતકાળમાં સમાન ઘટનાઓ બનેલી છે, જેમાં ૨૦૨૨ માં ઓઇલ રિફાઇનરીમાં લાગેલી આગનો સમાવેશ થાય છે જેમાં ઘણી જાન હાનિ થઈ હતી.
બિલ્ડિંગના માલિક કેરળના મલયાલી મીડિયા ઓનમાનોરમાના અહેવાલ મુજબ, બિલ્ડિંગમાં રહેતા ભારતીયો કેરળ અને તમિલનાડુના હતા. આ ઇમારત એન બી ટી સી ગ્રુપની છે, જે કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની છે. આ ઇમારત મલયાલી બિઝનેસમેન કે જી અબ્રાહમની માલિકીની છે. કે જી અબ્રાહમ આ ગ્રુપના સ્થાપક અને ચેરમેન છે. કંપની ૧૯૭૭ થી કુવૈતમાં કી ઓઇલ અને ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે.