રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં 46000થી વધુ નવા વાહનોનું વેચાણ થયું હતું. જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને 29 કરોડથી વધુ આવક થઈ હતી. જ્યારે રાજકોટ આરટીઓ કચેરીમાં શહેર અને જિલ્લામાં નવા ખરીદાયેલા 1,11,578 વાહનોનું રજિસ્ટ્રેશન થતાં આરટીઓ કચેરીને 196 કરોડની આવક થઈ હતી. આમ રાજકોટ શહેર અને જિલ્લામાં એક વર્ષ દરમિયાન નવા વાહનોનું ધૂમ વેચાણ થયું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં રોજબરોજ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વર્ષો પહેલા ફોરવ્હીલ વાહન એ સ્ટેટસ ગણાતું હતું. હવે ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર જરૂરિયાતનું સાધન બની ગયું છે. અમદાવાદ અને સુરતની જેમ રાજકોટમાં પણ નવા વાહનોનો ક્રેઝ લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે. એમાં પણ બેન્કો દ્વારા નવા વાહનો ખરીદવા માટે સરળતાથી લોન મળતી હોવાથી લોકો જુના વાહનોને બદલે નવા વાહનો ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. રાજકોટ શહેરમાં ગયા વર્ષે યાને 2022-2023ના વર્ષમાં 42,019 વાહનો વેચાતા મ્યુનિ.કોર્પોરેશનને રૂ.24 કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે એટલે કે, 2023-24ના વર્ષમાં 46,810 વાહનો વેચાતા મ્યુનિ.કોર્પોરેશનને રૂ. 29.56 કરોડની આવક થઈ છે. આમ મ્યુનિ.ને વાહન વેરાની આવકમાં રૂપિયા ચાર કરોડનો વધારો થયો છે. જ્યારે રાજકોટની આરટીઓ કચેરીને પણ નવા વાહનોના રજિસ્ટ્રેશનથી ધૂમ આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં શહેર અને જિલ્લામાં ખરીદાયેલા 1,11,578 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થતા આરટીઓ કચેરીને રૂ. 196 કરોડની આવક થઈ છે.
આરએમસીના સૂત્રોના કહેવા મુજબ ગત વર્ષની સરખામણીએ મ્યુનિ. કોર્પોરેશનને વાહન વેરાની સારી આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે 3 દિવસ બાકી છે. ત્યારે મ્યુનિ,કોર્પોરેશનને રૂ.28 કરોડના ટાર્ગેટ સામે રૂ.29.56 કરોડની આવક થઈ છે. ગત વર્ષે શહેરીજનો દ્વારા રૂ. 1100 કરોડના 42,019 વાહનની ખરીદી કરવામાં આવતા તેના કર પેટે મનપાને રૂ. 24,72,68,645ની આવક થઈ હતી. જેને પગલે આ વર્ષે રૂ. 28 કરોડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. મ્યુનિ.એ આ ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. 26મી માર્ચ સુધીમાં 46,810 વાહનો વેચાતા રૂ. 29.56 કરોડની આવક થઈ હતી.
રાજકોટ આરટીઓ કચેરીમાં શહેર અને ગ્રામ્યના નવા વાહનોનું રજિસ્ટ્રેશન થાય છે. છેલ્લા 1 વર્ષમાં 1,11,578 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં 72 હજારથી વધુ ટુ-વ્હિલર અને 23 હજારથી વધુ ફોર વ્હિલર સામેલ છે. ભારે વાહનોમાં ટ્રેક્ટર અને ટ્રોલીનો સમાવેશ થાય છે. વાહનોના રજિસ્ટ્રેશન થકી રાજકોટ આરટીઓ કચેરીને રૂ. 196 કરોડ જેટલી આવક થઈ છે. આ આવક તા. 1-4-2023થી 26-3-2024 સુધીની છે. આમ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં નવા વાહનોની ખરીદી થકી આરટીઓ કચેરીને ટેક્સ થકી કરોડોની આવક થઈ છે.