સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ દુબઈ સહિત વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. અને સારોએવો ટ્રાફિક પણ મળી રહ્યો છે. વર્ષ 2023-24નાં 11 મહિનામાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 68122 પર પહોંચી છે. જેમાં સુરત-શારજાહની એક અને સુરત-દુબઈની બે ફલાઈટનો સમાવેશ થાય છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઈન્ડિગો સુરત દુબઈ-સુરત ફ્લાઇટને માત્ર ત્રણ દિવસમાં 960 પેસેન્જર સાથે બમ્પર પ્રતિસાદ મળ્યો છે. સુરતથી આ ફ્લાઇટ પેક જઈ રહી છે અને રિટર્ન ફલાઈટને પણ 75-80% પેસેન્જર મળી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં 12356 પેસેન્જર મેળવી તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. જ્યારે ઈન્ડિગોની વધુ એક ફ્લાઇટ સુરતથી પૂણેની શરૂઆત કરવા જઈ રહી છે.
સુરત એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલને દરજ્જો મળ્યા બાદ વિદેશ માટે ફ્લાઈટ સેવાઓ શરૂ કરવામાં આવી છે.એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરત-શારજાહ અને સુરત-દુબઈ ફ્લાઈટે ફેબ્રુઆરી મહિનામાં 11,396 પેસેન્જર મેળવી તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. 11 મહિનામાં એર ઈન્ડિયાની સુરત-શારજાહ અને સુરત-દુબઈ ફ્લાઈટને 67,162 અને ત્રણ દિવસની ઈન્ડિગો ફલાઈટને 960 પેસેન્જર મળ્યાં છે. વર્ષ 2023-24નાં 11 મહિનામાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 68122 પર પહોંચી છે. જેમાં સુરત-શારજાહની એક અને સુરત-દુબઈની બે ફલાઈટનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 24 સુધી ઈન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા 3,628થી વધી 12356 પર પહોંચી છે. જે દર્શાવે છે કે, સુરતથી સિંગાપોર અને બેંગકોકના સપ્તાહમાં ત્રણ- ચાર દિવસની ફ્લાઇટ શરૂ થાય તો એ ફલાઈટને પણ બમ્પર પ્રતિસાદ મળી શકે છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસએ સુરતના કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટથી વર્ષ 2019માં શારજાહ-સુરત-શારજાહ ફ્લાઈટ શરૂ કરી હતી, જે કોવિડ –19 દરમિયાન બંધ રહી હતી. ત્યારબાદ એર ઈન્ડિયા એક્સપ્રેસએ વીકમાં 4 દિવસ સુરત-દુબઈ-સુરતની ફ્લાઈટ શરૂ કરતાં આ ફલાઈટની સફળતા જોઈ ઈન્ડિગો એરલાઈન્સે પણ 23 ફેબ્રુઆરીથી વિકમાં ત્રણ દિવસ દુબઈ-સુરત-દુબઈની ફ્લાઇટ શરૂ કરી હતી. આ ફલાઈટને માત્ર ત્રણ દિવસમાં 960 પેસેન્જર મળ્યાં છે. ઇન્ડિગો દ્વારા સુરતથી પૂણેની પણ વધુ એક ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31 માર્ચથી ફ્લાઇટ શરૂ થશે. પુણેની ફ્લાઇટ વિકમાં ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને રવિવારના રોજ સુરતથી ઉડાન ભરશે. આ માટે ઇન્ડિગો દ્વારા બુકિંગ પણ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે.