સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 7000થી વધુ યોગ ઉત્સાહીઓએ કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 પહેલાં આયોજિત એક ભવ્ય ઉત્સવ ‘યોગ મહોત્સવ’ દરમિયાન સુરતને યોગનો લાભ મળ્યો હતો. અઠવાલાઇન્સના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. 2 મે, 2024ના રોજ સવારે 7.00 વાગ્યાથી કોમન યોગ પ્રોટોકોલ (CYP)ની પ્રેક્ટિસમાં ડૂબેલા સાત હજારથી વધુ આતુર સહભાગીઓ આ ઉત્સવ માટે એકઠા થયા હતા. તેમનો જબરજસ્ત ઉત્સાહ અને સક્રિય સંલગ્નતા વ્યક્તિગત અને સામાજિક એમ બંને પ્રકારની સુખાકારીને પ્રોત્સાહન આપવામાં યોગના વધતા જતા મહત્વને ઉજાગર કરે છે.
આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયનાં સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની સાથે આયુષ મંત્રાલયનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી સત્યજિત પૌલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રોફેસર અવિનાશચંદ્ર પાંડે, ઇન્ટર-યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર, નવી દિલ્હી અને ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર યોગિક સાયન્સિસ, બેંગાલુરુના ડિરેક્ટર; અને મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા (એમડીએનઆઈવાય)ના નિયામક વૈદ્ય ડો. કાશીનાથ સામગંડી હાજર રહ્યાં હતા. આ મહાનુભવોની હાજરીએ આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો હતો, જેમની સહભાગિતાએ યોગને પ્રોત્સાહન આપવા અને વ્યક્તિઓ અને સમુદાયો માટે સમાનરુપે યોગ્ય પ્રગતિ માટે યોગના અભ્યાસ દ્વારા સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવાની સામૂહિક કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સુરતે પણ દેશના વિકાસમાં અદ્ભુત યોગદાન આપ્યું છે. આપણા માટે ગૌરવની વાત એ છે કે સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે.
વૈદ્ય કોટેચાએ સુરતના શાંત વાતાવરણ વચ્ચે ‘યોગ મહોત્સવ’ માટે ઉપસ્થિત જનમેદનીને તેના આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉપસ્થિતોની શિસ્તબદ્ધ હાજરી બદલ પ્રશંસા કરી, જેમણે કાર્યક્રમની સફળતામાં ફાળો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યોગે હવે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે અને આઇડીવાય 2023માં સમગ્ર દુનિયામાં 23.5 કરોડથી વધારે લોકોએ યોગનો અભ્યાસ કર્યો હતો. આ વર્ષે આ ભાગીદારીમાં વધારો થશે તેવી પૂરતી ખાતરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આઈડીવાય 2024ની 25મી ગણતરીના અવસરને ચિહ્નિત કરવા માટે, બોધગયામાં એક મુખ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રએ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો, ત્યારે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ હતી. આ દિવસ શારીરિક અને માનસિક એમ બંને રીતે યોગના અભ્યાસથી થતા અનેક ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા તથા વિવિધ સંસ્કૃતિઓ અને સમાજોમાં તેની સાર્વત્રિક અપીલને પ્રોત્સાહન આપવા માટે એક વૈશ્વિક મંચ તરીકે કામ કરે છે. તેની શરૂઆતથી જ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિવિધ કાર્યક્રમો, સેમિનારો, કાર્યશાળાઓ અને નિદર્શનોનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ વ્યક્તિઓ અને સમુદાયો પર યોગની ઊંડી અસરને ઉજાગર કરવાનો છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગાએ હજારો કુશળ યોગ માસ્ટર્સનું નિર્માણ કરીને આપણા દેશમાં યોગના લેન્ડસ્કેપને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા (એમડીએનઆઈવાય)ના ડિરેક્ટર ડો. કાશીનાથ સામગંડીએ આ કાર્યક્રમની શરુઆત ઉષ્માસભર સ્વાગત પ્રવચન સાથે કરી હતી અને આ કાર્યક્રમની સફળતામાં તમામ સહભાગીઓએ આપેલા મૂલ્યવાન પ્રદાન બદલ આભાર માન્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 (આઈડીવાય-2024) તરફ એક નિર્ણાયક પગલા તરીકે યોગ મહોત્સવની ભૂમિકાને રેખાંકિત કરી હતી, અને યોગની સાર્વત્રિક પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું 10મું સંસ્કરણ સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપતા આ વૈશ્વિક અભિયાનની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
કોમન યોગા પ્રોટોકોલનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના નિયામકની આગેવાની હેઠળ મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગના સાધકોની કુશળતા દર્શાવવામાં આવી હતી. આ નિદર્શનમાં 5000થી વધુ યોગ ઉત્સાહીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને કોમન યોગ પ્રોટોકોલમાં દર્શાવેલી નિર્ધારિત યોગ પદ્ધતિઓમાં સામૂહિક રીતે જોડાયા હતા.
આયુષ મંત્રાલય, ગુજરાત યોગ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને અન્ય અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને નિષ્ણાતોની હાજરીથી આ કાર્યક્રમ સમૃદ્ધ બન્યો હતો. તદુપરાંત, આદરણીય યોગ ગુરુઓ અને શિક્ષકોના સંદેશાઓ દ્વારા આ મહોત્વમાં વધુ દિપાવ્યો હતો, જેમણે આ પ્રસંગના મહત્વને વધુ પ્રકાશિત કર્યું હતું. તેમની સામૂહિક ભાગીદારી અને માર્ગદર્શને આ પ્રસંગની ઊંડાણમાં વધારો કર્યો હતો અને વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવા યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ સાથે મળીને, આઇડીવાય-2024ની યાદમાં આયોજિત થનારા ‘100 ડેઝ, 100 સિટીઝ અને 100 ઓર્ગેનાઇઝેશન્સ’ અભિયાનના ભાગરૂપે સમૂહ યોગ નિદર્શન અને સત્રોની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે. આ પહેલ શાળાઓ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, કોલેજો, કોર્પોરેટ સંસ્થાઓ તેમજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના વિવિધ હિતધારકોના સહયોગથી સંચાલિત થાય છે.