Site icon Revoi.in

પાલિતાણામાં પાણીનો ઓવરહેડ ટાંકો બે વર્ષથી તૈયાર છતાંયે પાણી ભરવાનું મૂહુર્ત મળતું નથી

Social Share

પાલિતાણાઃ જૈનોના તિર્થસ્થાન ગણાતા પાલિતાણા શહેરની વસતી વધતી જાય છે. નગરપાલિકા દ્વારા થોડાઘણા વિકાસના કામો પણ હાથ ધરાયા છે. ઘણીવાર પ્રજાના ટેક્સના નાણાથી કરાયેલા કામો તંત્રની બેદરકારીથી ખંડેર બની જતાં હોય છે. પાલિતાણા શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે બનાવાયેલો પાણીનો ટાંકો બે વરસથી બીન ઉપયોગી બની રહયો છે. પાણીના ટાંકાએ હજુ પાણીના દર્શન કર્યા નથી. એટલે કે પાણીનો ટાંકો ઉદઘાટનની બે વર્ષથી રાહ જોઈ રહ્યો છે.

પાલિતાણામાં હાથિયાધાર વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીનો ટાંકો બનાવેલો છે. હજુ સુધી ટાંકાની અંદર પીવાના પાણીનું એક ટીપું પણ ઠાલવવામાં આવ્યુ નથી. પાલિતાણા શહેરના વોર્ડ નંબર ત્રણમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે રાજ્યસભાના સાંસદ અને મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ પાલીતાણા નગરપાલિકાને 2018 -19 માં પોતાની ગ્રાન્ટમાંથી હાથિયાધાર વિસ્તારમાં ધાર ઉપર પીવાના પાણીનો નવો ટાંકો બનાવવા માટે રૂપિયા ગ્રાન્ટ ફાળવી હતી. હાથીયાધાર વિસ્તારમાં લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા સાંસદ દ્વારા ગ્રાન્ટ ફાળવાતા તેનું કામ તા. 13- 1 -21 ના શરૂ કરાયું હતું. જે તા. 1 -8 -21 ના પૂર્ણ કરાયું હતું. આમ છેલ્લા બે વર્ષથી પાણીનો ટાંકો બનાવ્યો હોવા છતાં હજુ ઉપયોગમાં લેવાયો નથી.

પાલિતાણાના હાથિયાધાર વિસ્તારના લોકોના કહેવા મુજબ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા આજ તારીખ સુધીમાં ટાંકાની અંદર પીવાના પાણીનું એક ટીપું પણ ઠાલવવામાં નથી આવ્યું આથી હાથિયાધાર વિસ્તારના લોકોને માટે પીવાના પાણીની ટાંકો તો બનાવવામાં આવ્યો છે પણ એમાં પાણી ન ભરવામાં આવતા લોકોના પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે. આ ઉનાળા દરમિયાન જો  પાણીનો ટાંકો શરૂ કરી દેવામાં આવે તો લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. અને આ વિસ્તારની પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે.