Site icon Revoi.in

વાવાઝોડાને લીધે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો ત્રણ દિવસ લંબાવાયા

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને આ અંગે જણાવ્યું કે ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને હાલની સંભવિત વાવાઝોડા સહિતની પરિસ્થિતિમાં તેમજ કોરોના ની સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કર્ફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યપ્ધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વાવઝોડાની પરિસ્થિતિ અને તંત્ર હાલ કામમાં હોવાથી મિનિ લોકડાઉન મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનોનો સમાવેશ થાય છે. જ્યારે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસિસ અને હોટેલ / રેસ્ટોરન્ટની સેવા આપતી સેવાઓ ચાલુ રહેશે. આ 36 શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.