Site icon Revoi.in

ઓવેસીનો ગુજરાતના રાજકારણમાં પ્રવેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને ઉતારશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ હૈદરાબાદ બાદ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓવેસીની પાર્ટીના પાંચ ઉમેદવારોની જીત થતા ઓવેસી અને તેમની પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવેસી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યાં છે. આમ ઓવેસી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં જ ભાજપને ટક્કર આપવાની તૈયારીઓ કરી રહ્યાં છે.

ઓવેસીએ ગુજરાતમાં છોટુ વસાવાની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને સાથે મેળીને લડશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈ ત્રીજા રાજકીય પક્ષને અત્યાર સુધી મોટી સફળતા મળી નથી. જેથી જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવૈસી અને છોટુ વસાવા સાથે મળીને ચૂંટણી લડશે તો કોંગ્રેસને નુકસાન થાય તેવી શકયતાઓ રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએ અને છોટુ વસાવાની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે.

બીટીપીના પ્રમુખ છોટુ વસાવાએ ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ બંને પાર્ટીનું ગઠબંધન થાય તેવી શકયતા છે. ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. તેમજ એ અંગે ચૂંટણીપંચ દ્વારા જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરવામાં આવે તેવી અટકળો છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ જામવાની શકયતા છે. જો કે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાધેલાની પાર્ટી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની છે. ત્યારે હવે બીટીપી અને ઓવેસીએ ગઠબંધન કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે.