- મહારાષ્ટ્રને 100 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય કરશે
- છત્તીસગઢ પણ 100 મેટ્રીક ટન ઓક્સિજન પુરો પાડશે
- મહારાષ્ટ્રમાં સરકારે આકરા નિયંત્રણો નાખ્યાં
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે. ત્યારે ગુજરાત 100 મેટ્રીક ટન ઓક્સિજનની મહારાષ્ટ્રમાં સપ્લાય કરીને પડોશી ધર્મ નિભાવશે. આ ઉપરાંત છત્તીસગઢ પણ મહારાષ્ટ્રને ઓક્સિજન સપ્લાય કરશે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે ઓક્સિજનને લઈને મદદ માંગી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેથી સરકાર દ્વારા અનેક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલો પણ ઉભી કરવામાં આવી છે. જો કે, મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓને કારણે ઓક્સિજનની અછત ઉભી થઈ છે. દરમિયાન ગુજરાત અને છત્તીસગઢ મદદ માટે આગળ આવ્યું છે. બંને રાજ્યો મહારાષ્ટ્રને 200 મેટ્રીક ટન સપ્લાય કરશે. ગુજરાતના જામનગરમાંથી 100 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય મહારાષ્ટ્રને કરવામાં આવશે. એક સપ્તાહમાં 1500 મેટ્રિક ટન ઓક્સિજનની રાજ્યને જરુર પડવાની છે. હાલમાં રાજ્ય પાસે રોજનો 1200 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ હોય છે. જેમાંથી 960 ટનનો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવે છે.
મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજનની અછતને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કેન્દ્ર સરકારને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા અપીલ કરી હતી.