અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ સહિત જુદાજુદા વિસ્તાકોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતની હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડે તેવી વ્યવસ્થા છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતભરમાં બે દિવસથી અહીંથી ઓક્સિજનના સિલિન્ડર મોકલવામાં આવી રહયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લાના અલંગમાં શિપ કટિંગ માટે વાપરવામાં આવતા ઓક્સિજન અને તેના સિલિન્ડરની વ્યવસ્થા કરવામાંટે કવાયત ચાલી રહી છે. અહીં પિસ્તાલીસ હજાર જેટલા સિલિન્ડર ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. એ સિલિન્ડર હવે રાજ્યની વિવિધ હોસ્પિટલમાં જરૂરિયાત ઉભી થઇ હોય તેના માટે ઉપયોગમાં લેવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં આશરે પચાસ જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે.જેમાં અલંગનો શ્રી રામ ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતને ઓક્સિજન પૂરો પાડે છે.એ પ્લાન્ટમાંથી ગેસ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગ રુપે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ઓક્સિજનના બોટલો મોકલવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે સરકાર પાસે યોગ્ય આયોજન હોય તો રાજ્યમાં હાલ ઓક્સિજન ગેસની અછત ઉભી થઇ છે તે ન થાય જિલ્લામાં એવા ઓક્સિજન પ્લાન્ટ છે કે મિનિટોમાં ગેસની ટેન્ક ભરી દે તેટલા સક્ષમ પ્લાન્ટ છે.