Site icon Revoi.in

શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે શૈક્ષણિક મહાસંઘ દ્વારા 9મી ડિસેમ્બરે પદયાત્રા અને મહાપંચાયત યોજાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળાઓના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે, જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ,  ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ, કાયમી ભરતી સહિતની માંગને લઈને શૈક્ષણિક મહાસંઘે સરકાર સામે બાંયો ચડાવી છે. અને  આગામી 9મી ડિસેમ્બરના રોજ શિક્ષકો, શાળા કર્મચારીઓની પદયાત્રા તેમજ મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રાજ્ય સરકાર સામે આંદોલન કાર્યક્રમ આપવાની જાહેરાત કરાઈ છે. છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી પ્રશ્નોનું  નિરાકરણ આવ્યું નથી. નવરાત્રિ પહેલા અલગ અલગ શૈક્ષણિક સંગઠનો દ્વારા સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ માંગણીઓ સંદર્ભે ઠરાવ કરવામાં નથી આવ્યા જેને લઈ શિક્ષકોમાં અને વહીવટી કર્મચારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી 9 ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરી મહાપંચાયત કાર્યક્ર્મ યોજશે.

રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે,  પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓ, સંચાલકો સહિત કુલ 5 લાખ લોકો એક જ દિવસે અલગ અલગ જગ્યાએ પર ભેગા થઈ પોતાની માંગણીઓને લઈ વિરોધ નોંધાવશે. જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ, કાયમી ભરતી સહિતની માંગને લઈને સંઘ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પડતર પ્રશ્નું નિરાકરણ આવ્યું નથી શૈક્ષણિક મહાસંઘ દ્વારા એ પણ માંગ કરવામાં આવી છે કે જે શાળાઓમાં એકલદોકલ શિક્ષકો નિવૃત થાય અથવા તો ફાઝલ થાય ત્યાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે શિક્ષકની ભરતી માટે મંજૂરી આપવામાં આવે. હાલના સમયમાં જ્યારે શિક્ષક નિવૃત્ત થાય તેવાં કિસ્સામાં જ્યારે એક સાથે ભરતી થાય ત્યારે જ કાયમી શિક્ષકો મળતા હોય છે, ત્યાં સુધી શાળામાં શિક્ષકની જગ્યા ખાલી હોય છે. જેથી આ પ્રકારની માંગણીઓને લઈ મહાસંધ આ વખતે લડી લેવાના મૂડમાં છે. (file photo)