પાદરાના ધોબીકૂવા ગામે લોખંડના તાર પર કપડાં સુકવતાં વીજ કરંટ લાગ્યો, માતા-પૂત્રીનાં મોત
વડોદરાઃ પાદરા તાલુકાના ધોબીકૂવા ગામે રહેતા એક ખેડુત પરિવારના મા-દીકરી લોખંડના તાર પર કપડા સુકવતા હતા ત્યારે અચાનક વીજળીનો કરંટ લાગતા બન્ને મા-દીકરીના મોત થતાં નાનકડા એવા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. જ્યારે વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં પણ વીજ કરંટથી પશુનું મોત થયું હતુ.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, પાદરા તાલુકાના ધોબી કૂવા ગામના સીમ વિસ્તારમાં રહેતા છત્રસિંહ ભારતસિંહ પઢિયાર વ્યવસાયે ખેતી કામ કરે છે. બપોરના ટાણે 1:30 વાગ્યે છત્રસિંહના પત્ની ઉષાબેન પોતાના ઘરે કપડાં ધોઈ રહ્યા હતા. તે સમયે તેમની 19 વર્ષની દીકરી નયનાબેન રસોઈ કરીને મમ્મી પાસે આવી હતી. માતાએ તેને ધોયેલા કપડાં સુકવવા માટેનું કહ્યું હતું. વરસાદી માહોલમાં નયનાબેન કપડાં સૂકવવા માટે લોખંડના તાર પાસે ગયા હતા. અને કપડાં સૂકવવા લાગ્યા હતા. દરમિયાન ઉષાબેન પણ તેમની મદદ માટે આવ્યા હતા. એ સમયે અચાનક બંનેને વીજ કરંટ લાગતા એક ઝાટકા સાથે બંને ફંગોળાઈને જમીન પર પડ્યા હતા. તેને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાડોશમાં જ રહેતા દલપતસિંહ પઢિયાર એમને સારવાર માટે મહુવાડ ચોકડી પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બંનેના મોત નીપજ્યા હતા. વરસાદી માહોલમાં કપડાં સૂકવતી વખતે ધ્યાન નહીં રાખવાથી બનતા બનાવ અંગે લાલ બત્તી સમાન વડુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વાઘોડિયા તાલુકાના જરોદના રાજપુત ફળિયામાં રહેતા અને પાન પાર્લર ચલાવતા 36 વર્ષીય સુરેન્દ્રસિંહ ઉર્ફે બંટી ગિરવતસિંહ ચૌહાણની દુધણી ભેંસ વીજ સબ ડિવિઝનના ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થતી હતી ત્યારે જમીનમાં ઉતરેલા વીજ કરંટથી મોત નીપજયું હતું. (પ્રતિકાત્મક તસવીર)