પાક.માં અધિકારીઓ તો ઠીક પ્યૂન પણ કોર્ટના આદેશને નથી ગણકારતાઃ હિન્દુ પરિવારને સંસ્થામાં રખાયેલી અપહ્યુત સગીરાને ના મળવા દીધી
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રહીમ યાર ખાન વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરાયેલી 13 વર્ષની હિન્દુ સગીરા હાલ દાર-ઉલ-અમન નામની સંસ્થામાં રાખવામાં આવી છે. સગીરાને મળવા માટે માતા-પિતાએ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી છે પરંતુ સંસ્થાના સંચાલકોને કોર્ટનો પણ કોઈ ભય ના તેમ આદેશને ઘોળીને પી ગયા છે અને સગીરા સાથે પરિવારની મુલાકાત કરાવી ન હતી.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં રહેતી પુજા નામની 13 વર્ષિય સગીરા ગત 9મી જુલાઈએ પોતાના ઘર પાસેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. જેથી પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો નહીં મળતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે પરિવારજનોને કહ્યું હતું કે, સગીરા દાર-ઉલ-અમન આશ્રમ ગૃહમાં છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઈદની રજાને કારણે કોર્ટ બંધ હતી. ઈદના તહેવાર બાદ કોર્ટ ખુલતાની સાથે સગીરાના પરિવારજનોએ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ દીકરીને આશ્રમમાં મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી કોર્ટે પરિવારને દીકરીને મળવાની મંજૂરી આપી હતી.
પીડિત પરિવાર કોર્ટનો આદેશ લઈને બપોરના 3 કલાકે આશ્રમ ગયો હતો. તે વખતે આશ્રમ પરિસરમાં અધિક્ષક અને ઉપઅધિક્ષક હાજર ન હતા. માત્ર એક સેવક ઉપસ્થિત હતો. તેણે પરિવારને બે કલાક સુધી આશ્રમના દરવાજા પાસે ઉભો રાખ્યો હતો. આ દરમિયાન અંદરથી કોઈ અધિકારી બહાર આવ્યાં ન હતા. એટલું જ નહીં સેવકે પણ કોર્ટનો આદેશ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આમ કોર્ટના આદેશ છતા સંસ્થાએ પરિવારને દીકરીને મળવા નહીં દીધો હોવાનું જાણવા મળે છે.