નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે જેના પરિણામે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરમિયાન પંજાબ પ્રાંતમાં એક વ્યક્તિએ પોતાના સાત સંતાનો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકીને કારમી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મોંઘવારીને પગલે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી હત્યારાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આર્થિ રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનમાં જીવન જરુરી વસ્તુઓ મેળવવી સ્થાનિકો માટે મુશ્કેલ બની છે. દરમિયાન પાકિસ્તાનમાં એક પરિવારના મોભીએ સાત બાળકો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. સજ્જાદ ખોખર નામનો વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીનું ભરણપોષણ કરી શકતો ન હતો, જેના કારણે તેણે હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં મોંઘવારી વધી છે, તેમજ દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બની હતી. પૈસાની અછતના કારણે આરોપી ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે અવારનવાર વિવાદ થતો હતો. આ જઘન્ય અપરાધ બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનામાં સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું કે, આરોપીએ કુહાડી વડે તેના પરિવારની હત્યા કરી હતી અને આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ પોલીસને કહ્યું કે, બાળકો અને પત્નીને ખવડાવી શકે તેવી પરિસ્થિતિ નહીં હોવાથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પાકિસ્તાનમાં સ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ છે કે સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના પરિવારને બરબાદ કરવા પર તણાઈ ગયા છે.
બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અદિયાલા જેલમાંથી સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરી છે. ઈમરાને કહ્યું કે કોઈ પણ દેશ આર્થિક સ્થિરતા વગર ચાલી શકે નહીં. તેમણે પાકિસ્તાનમાં તાજેતરના રાજકીય વિકાસ અને 1971ની ઢાકા દુર્ઘટના વચ્ચે સરખામણી કરી છે. ઈમરાને પાકિસ્તાનમાં ‘ઢાકા ટ્રેજડી’નો ભય વ્યક્ત કર્યો છે.
(PHOTO-FILE)