નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરી શકી નથી. દરમિયાન પાકિસ્તાની ટીમ પાકિસ્તાન પરત ફર્યા બાદ બાબર આઝમને આ ખરાબ પ્રદર્શનને કારણે સૌથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વર્લ્ડ કપ પછી બાબર આઝમ સફેદ બોલના ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. જોકે, આ અંગે બાબર કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ વર્લ્ડકપના થોડા મહિના પહેલા સુધી પાકિસ્તાનને એક મજબૂત ટીમ તરીકે જોવામાં આવતી હતી, પરંતુ વર્લ્ડ કપ પહેલા આયોજિત એશિયા કપમાં પાકિસ્તાનની ટીમ ખુલ્લી પડી ગઈ હતી અને ફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. તે પછી, પાકિસ્તાને વર્લ્ડ કપની પ્રથમ બે મેચ જીતી હતી, પરંતુ તે પછી ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામેની હાર પાકિસ્તાનને આ વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર લાવી દીધું હતું.
જો કે, સતત 4 મેચ હાર્યા બાદ પાકિસ્તાને બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે જીત મેળવીને પુનરાગમન કર્યું હતું, પરંતુ તે સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે પૂરતું નહોતું. આવી સ્થિતિમાં બાબર આઝમની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈને પાકિસ્તાન પરત ફરશે તે લગભગ નિશ્ચિત છે. બાબરની કેપ્ટનશિપ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ચર્ચાનો મુખ્ય વિષય બની શકે છે. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટનશિપના મામલે પાકિસ્તાનનો ડ્રેસિંગ રૂમ પણ બે ભાગમાં વહેંચાયેલો છે.
પાકિસ્તાનના ઘણા સિનિયર ખેલાડીઓ પણ બાબર આઝમને અલગ-અલગ રીતેર સલાહ આપી રહ્યા છે, જેના પર બાબરે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી લીગ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે, પોતાની વિચારવાની રીત હોય છે. દરેક વ્યક્તિનો પોતાનો રસ્તો હોય છે. કંઈક ને કંઈક કહેતા રહે છે કે આવું હોવું જોઈએ, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો બધા પાસે મારો નંબર છે. ટીવી પર બેસીને સલાહ આપવી સરળ છે. તમે મને મેસેજ પણ કરી શકો છો.”