Site icon Revoi.in

પાકિસ્તાનઃ રાજકીય સંકટ વચ્ચે પંજાબ વિધાનસભામાં મારામારી, ઈમરાનના નેતાએ ડે.સ્પીકરને માર માર્યો

Social Share

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીટ ઉલટફેર થઈ રહ્યાં છે. તાજેતરમાં જ ઈમરાન ખાને પીએમ પદ ગુમાવ્યું હતું. ઈમરાન ખાનની સત્તા ગયા બાદ ઈમરાન ખાન અને તેમના સમર્થકોની મુશ્કેલીઓ વધી છે. દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભામાં મારામારીની ઘટના સામે આવી હતી. ઇમરાન ખાનની પાર્ટીના નેતાએ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને માર મારતા ખળભળાટ મચી ગયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભા યુદ્ધનો અખાડો બની ગયું હોય તેમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતાઓએ ડેપ્યુટી સ્પીકર પર હુમલો કર્યો હતો. પીટીઆઈ નેતાઓના હુમલામાં ડેપ્યુટી સ્પીકર મોહમ્મદ માજરીને ઈજા થઈ છે. હાલમાં, તેમને થયેલી ઇજાઓ વિશે વધુ જાણી શકાયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીટીઆઈના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને થપ્પડ મારી અને તેમના વાળ ખેંચી લીધા હતા.  જો કે, બાદમાં સ્પીકરને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ડેપ્યુટી સ્પીકર મોહમ્મદ મઝારી પંજાબના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા ગૃહની અધ્યક્ષતા કરવા આવ્યા ત્યારે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ધારાસભ્યોએ તેમને માર માર્યો હતો. પીટીઆઈના ધારાસભ્યોએ તેમના પર લોટા ફેંક્યા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ પણ ત્યાં હાજર હતા. પંજાબ એસેમ્બલીનું સત્ર સવારે 11.30 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ પીટીઆઈના સભ્યોની ગેરહાજરીને કારણે તેને સ્થગિત કરવામાં આવ્યું હતું.

લાહોર હાઈકોર્ટના આદેશ બાદ પંજાબમાં નવા મુખ્યમંત્રી માટે ચૂંટણી કરાવવા માટે સત્ર બોલાવવામાં આવ્યું હતું. સત્રમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થવાની હતી તેની અધ્યક્ષતા દોસ્ત મોહમ્મદ માજરીએ કરી હતી. શનિવારનું સત્ર લાહોર હાઈકોર્ટના બુધવારના આદેશ અનુસાર યોજાઈ રહ્યું હતું, જેમાં તેણે વહેલી ચૂંટણી અને ડેપ્યુટી સ્પીકરની સત્તા પુનઃસ્થાપિત કરવાની હમઝાની અરજીને ફગાવી દીધી હતી. ગયા અઠવાડિયે ડેપ્યુટી સ્પીકરની સત્તા પાછી ખેંચી લેવામાં આવી હતી. કોર્ટ દ્વારા તેમને 16 એપ્રિલે ચૂંટણી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.