દિલ્હી :પાકિસ્તાને મંગળવારે ભારતને કરતારપુર કોરિડોર ફરીથી ખોલવા અને શીખ શ્રદ્ધાળુઓને ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપવા અપીલ કરી છે.
વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ 9 નવેમ્બર, 2019ના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ કોરિડોર ખોલ્યાના થોડા મહિના પછી જ, કોરોનાવાયરસ મહામારીને કારણે માર્ચ 2020 થી યાત્રાળુઓની અવરજવર સ્થગિત કરવામાં આવી હતી.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું, ‘ભારતે હજી સુધી તેની બાજુથી કોરિડોર ખોલ્યો નથી અને શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની મંજૂરી આપી નથી.’તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગુરુ નાનક દેવની જયંતિ પર 17 થી 26 નવેમ્બર સુધી આયોજિત સમારોહ માટે અમે ભારત અને દુનિયાભરથી આવનાર શ્રદ્ધાળુઓની મેજબાની માટે ઉત્સુક છે.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ કરતારપુર કોરિડોર ખોલવાની માંગ કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાજેતરની બેઠક દરમિયાન પણ આ મુદ્દા પર વાત કરી હતી અને કોરિડોર ખોલવાની માંગ કરી હતી. વાસ્તવમાં, બે વર્ષ પહેલા, કોરોનાના કારણે, કોરિડોરને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.