પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાને બીજા ત્રણ વર્ષ માટે પાકિસ્તાનના સીઓએએસ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જનરલ બાજવાને પાકિસ્તાની સેનાધ્યક્ષ તરીકે વધુ એક ટર્મ આપવાને મંજૂરી આપી છે. પાકિસ્તાનના પીએમ કાર્યાલય દ્વારા આના સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ઈમરાનખાનની ઓફિસ પ્રમાણે, જનરલ કમર જાવેદ બાજવાને તેમના હાલના કાર્યકાળના પૂર્ણ થવાની તારીખથી બીજા ત્રણ વર્ષ માટે સેવાવિસ્તાર આપવામાં આવે છે.
ટૂંકા નોટિફિકેશન પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનના હસ્તાક્ષર છે અને તેમા એવું પણ લખવામાં આવ્યું છે કે આ નિર્ણય પ્રાદેશિક સુરક્ષા વાતાવરણને ધ્યાને લઈને કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે જનરલ બાજવાને પાકિસ્તાની સેનાધ્યક્ષ તરીકે પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે નવેમ્બર-2016માં નિયુક્ત કર્યા હતા.
આમ તો પાકિસ્તાની સેનાધ્યક્ષ પાકિસ્તાનનો રિયલ બોસ છે, પોતાના રિયલ બોસને વધુ ત્રણ વર્ષનો સેવાવિસ્તાર ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને મંજૂર કર્યો છે.