કરાચીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં પાકિસ્તાનના સુરક્ષા જવાનોએ ઘણી વખત મોટી સફળતાઓ હાંસલ કરી છે. આ જ ક્રમમાં તાજેતરમાં ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ઓપરેશનમાં પાકિસ્તાની સુરક્ષા દળોના 8 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-ઈસ્લામના 2 કમાન્ડરો સહિત 9 આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે, ખૈબર જિલ્લાના તિરાહ મેદાન ઘાટીમાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન સાત સુરક્ષાકર્મીઓ અને છ આતંકવાદીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ અહીં થોડા કલાકો સુધી ઓપરેશન ચલાવ્યું હતું. વિશેષ કામગીરી હાથ ધરતા પહેલા અધિકારીઓએ ત્રણ અલગ-અલગ પોઈન્ટ પર સુરક્ષા જવાનોને તૈનાત કર્યા હતા. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે આ ઓપરેશનમાં આસપાસના વિસ્તારોના કેટલાક રહેવાસીઓ પણ ઘાયલ થયા છે.
અગાઉ 14 નવેમ્બરે સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન બંને પ્રાંતોમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને 12 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ કહ્યું હતું કે પહેલું ઓપરેશન 12 અને 13 નવેમ્બરના રોજ ખૈબર પખ્તુનખ્વાના મીરાનશાહ જિલ્લામાં કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર વજીરિસ્તાન વિસ્તારમાં એન્કાઉન્ટરમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે આ જ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ ઘાયલ પણ થયા હતા. બીજા ઓપરેશનમાં સુરક્ષા દળોએ બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યું હતું. આ સૈન્ય કાર્યવાહીમાં કુખ્યાત આતંકવાદી સના ઉર્ફે બારુ સહિત ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.