પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ ભારત અને અફઘાનિસ્તાન બંને દેશોમાં આતંકી હુમલા કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના ગુપ્તચર વિભાગના એક વરિષ્ઠ અધિકારી ડેન કોટ્સે આના સંદર્ભે ખુલાસો કર્યો છે.
અમેરિકાના ગુપ્તચર વિભાગના નિદેશક ડેન કોટ્સે પણ કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા કેટલાક સમૂહોનો નીતિગત રીતે ઉપયોગ કરીને આતંકવાદ વિરોધી સહયોગ પ્રત્યે સંકુચિત વલણ દર્શાવવું અને માત્ર આવા આતંકવાદી સમૂહોથી નિપટવું કે જેનાથી પાકિસ્તાનને સીધો ખતરો હોય, નિશ્ચિતપણે તાલિબાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી અમેરિકાની કોશિશોને પણ ચોપટ કરી દેશે.
કોટ્સે ગુપ્તચર મુદ્દાઓ પર સેનેટની સમિતિના સદસ્યોને જણાવ્યું છે કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ ભારત અને અફઘાનિસ્તાન તથા અમેરિકાના હિતો વિરુદ્ધ હુમલાની યોજના બનાવવા અને તેને પાર પાડવા માટે પાકિસ્તાનમાં પોતાના આશ્રયસ્થાનોનો ફાયદો ઉઠાવવાનું ચાલુ રાખશે.
કોટ્સ અને અન્ય અમેરિકન ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ વિશ્વવ્યાપી ખતરા પર આકલનને લઈને ગુપ્તચર મામલાઓ પરની સેનેટની સમિતિ સમક્ષ રજૂ થયા હતા. તે વખતે તેમણે આના સંદર્ભેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તો બીજી તરફ કોટ્સે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમોના સતત વિકાસ અને વૃદ્ધિને કારણે દક્ષિણ એશિયામાં પરમાણુ સુરક્ષા સાથે જોડાયેલી ઘટનાઓની આશંકા વધી ગઈ છે.
કોટ્સે અમેરિકાના સાંસદોને જણાવ્યુ છે કે ભારતમાં કોમવાદી હિંસાની આશંકા પ્રબળ છે. જો સત્તારુઢ ભાજપ મે માસમાં લોકસભાની ચૂંટણી પહેલા હિંદુ રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર જ ભાર મૂકતી રહેશે, તો આવી હિંસાની પ્રબળ શક્યતા છે.
તેના સિવાય તેમણે અમેરિકન સાંસદનો જણાવ્યુ છે કે ભારત અને ચીન વચ્ચે આ વર્ષે સંબંધો તણાવપૂર્ણ રહેવાની આશંકા છે. તેમણે કહ્યુ છે કે બંને દેશ વચ્ચે સંબંધો સુધારવાના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના પ્રયાસો છતાં તેના સંબંધોમાં તણાવ રહેશે.