- પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું કર્યું પરીક્ષણ
- 290થી 320 કિ.મી.ની રેન્જ ધરાવે છે ગઝનવી મિસાઈલ
- ગઝનવી મિસાઈલ 700 કિ.ગ્રા.ના વિસ્ફોટક લઈ જવા સક્ષમ
પાકિસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું ગુરુવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સપાટી પરથી સપાટી પર 290થી 320 કિલોમીટર સુધીના અંતરે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી પાકિસ્તાની મિસાઈલ ગઝનવી 700 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે. આ પરીક્ષણ માટે પાકિસ્તાને પોતાના કરાચી એરસ્પેસ બંધ કરી દીધો હતો.
ડૉન અખબારની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ આસિફ ગફૂરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું રાત્રિ દરમિયાન સફળતાપૂર્વક તાલીમી લોન્ચિંગ કર્યું છે.
મેજર જનરલ ગફૂરે ટ્વિટની સાથે મિસાઈલ લોન્ચનો વીડિયો પણ સાંકળીને જણાવ્યુ છે કે આ મિસાઈલ 290 કિલોમીટર સુધીની રેન્જમાં અલગ-અલગ પ્રકારના વોરહેડ્સનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
ડીજી આઈએસપીએરના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાને સફળતાપૂર્વકના મિસાઈલ ટેસ્ટિંગ બદલ ટીમ અને તેમના દેશને શુભેચ્છા પાઠવી છે.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને મે માસમાં સરફેસ-ટુ-સરફેસ બેલેસ્ટિક મિસાઈલ શાહીન-2નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાની મિલિટ્રીની મીડિયા વિંગનો દાવો છે કે આ મિસાઈલ પાડોશમાં અથવા અન્ય કોઈપણ સિસ્ટમથી શ્રેષ્ઠ છે.
જો કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ના અસરહીન થયા બાદથી પાકિસ્તાનમાં ખળભળાટનો માહોલ છે. પાકિસ્તાન દ્વારા ગઝનવી મિસાઈલનું પરીક્ષણ તેની યુદ્ધખોર વૃત્તિનું જ એક પ્રદર્શન હોવાનું માનવામાં આવે છે. આ પહેલા મે અને જાન્યુઆરીમાં અનુક્રમે શાહીન-2 અને નસ્ર મિસાઈલોના પરીક્ષણો પણ પાકિસ્તાનની યુદ્ધખોર પ્રવૃત્તિના જ પરિચાયક હતા.