નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આતંકવાદ સતત વધી રહ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (સીઆરએસએસ)ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 2024ના 3 હમિનામાં આતંકવાદી હુમલા અને આતંકવાદી હુમલા વિરોધી અભિયાનોની લગભગ 245 જેટલી ઘટના નોંધાઈ છે. આ ઘટનાઓમાં 432 વ્યક્તિઓના મોત થયાં છે જ્યારે 370 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. માત્ર ત્રણ મહિનાની અંદર જ 432 લોકોના મોતનો આંકડો બતાવે છે કે, પાકિસ્તાન આતંકવાદનો ગઢ બની ગયું છે. ખૈબર પશ્તુનખ્વા અને અફઘાનિસ્તાન સરહદ પાસેના બલુચિસ્તાન પ્રાંતની હાલત ગંભીર છે. આ વિસ્તારોમાં 3 મહિનામાં 90 ટકાથી વધારે મોત થયાં છે અને 86 ટકા જેટલા હુમલા થયાં છે. રિપોર્ટ અનુસાર, આ સ્થળોની સરખામણીએ પાકિસ્તાનના અન્ય વિસ્તારમાં ઘટનાઓ ખુબ ઓછા નોંધાયાં છે. પાકિસ્તાનમાં ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ સરકારી અને ખાનગી સંપતિઓને નિશાન બનાવવાની 64 જેટલા ઘટનાઓ બની છે.
- બલુચિસ્તાનની હાલત ખરાબ
2024ના પ્રથમ ક્વાર્ટરમાં બલૂચિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં 96 ટકાનો આશ્ચર્યજનક વધારો થયો છે. 2023 ના છેલ્લા ક્વાર્ટરમાં બલૂચિસ્તાનમાં કુલ 91 લોકોના મોત થયા છે. આ વર્ષે આ સંખ્યા વધીને 178 થઈ ગઈ છે. બીજી તરફ સિંધ વિસ્તારમાં પણ હિંસામાં લગભગ 47 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હિંસામાં ઘટાડો થયો હતો. ગયા વર્ષે, અહીં એક દાયકામાં સૌથી વધુ મૃત્યુ થયા હતા, જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં એક નવું આતંકવાદી સંગઠન ઉભરી આવ્યું છે, જેનું નામ જભાત અંસાર અલ-મહદી ખોરાસન (JAMK) છે.
31 માર્ચ, 2024 ના રોજ, ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લામાં દાસુ ડેમ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ ચીની નાગરિકો અને એક સ્થાનિક ડ્રાઈવર માર્યા ગયા હતા.
- નાગરિકો અને સુરક્ષા દળોમાં સૌથી વધુ મૃત્યુ
વર્ષ 2024ના પ્રથમ ત્રણ મહિનામાં 245 આતંકવાદી હુમલા અને આતંકવાદ વિરોધી ઘટનાઓ બની હતી. આ 200 આતંકવાદી હુમલાઓમાં 281 પાકિસ્તાની લોકો અને સુરક્ષા દળોના મોત થયા છે. સુરક્ષા અધિકારીઓ અને નાગરિકો પર હુમલાની સંખ્યા આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલા સુરક્ષા ઓપરેશન કરતા લગભગ ચાર ગણી વધારે છે. જો વર્ષ 2023 ના છેલ્લા ક્વાર્ટર સાથે સરખામણી કરવામાં આવે તો જાણવા મળે છે કે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નાગરિકો અને સુરક્ષા અધિકારીઓના મૃત્યુમાં 17 ટકાનો વધારો થયો છે. તેનાથી વિપરીત, આતંકવાદીઓના મૃત્યુમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો છે. એવું જોવામાં આવ્યું છે કે આતંકવાદીઓ અને વિદ્રોહી જૂથોનું મુખ્ય લક્ષ્ય સરકારી અને સુરક્ષા સંસ્થાઓ હતા. તેમાં ગ્વાદર પોર્ટ કોમ્પ્લેક્સ, માચ જેલ અને તુર્બત નેવલ બેઝનો પણ સમાવેશ થાય છે.