પાકિસ્તાનઃ લાહોરના અનારકલી બજારમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોતની આશંકા
નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાતા પાકિસ્તાનના લાહોરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. લાહોરના અનારકલી બજારમાં એક બોમ્બ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં 5 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાહોરમાં સૌથી વ્યસ્ત ગણાતા અનારકલી બજારમાં આજે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. મોટરસાઈકલમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. બોમ્બ બ્લાસ્ટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોમ્બ બ્લાસ્ટને પગલે કેટલીક દુકાનો અને બાઈક પણ આગને લપેટમાં આવી ગઈ હતી. એટલું જ નહીં બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે, નજીકમાં આવેલી ઈમારતના તમામ કાચ તુટી ગયા હતા.
બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં છે. બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં 5ના મૃત્યું થયાં છે પરંતુ મૃત્યુઆંક વધવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.